આજે દુબઈમાં IPL 2024 માટે ખેલાડીઓની હરાજી યોજાઇ રહી છે. હરાજીમાં કુલ 333 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે. વિદેશી ખેલાડીઓ માટે 30 સ્લોટ સહિતના કુલ 77 સ્લોટ ખાલી છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓને લઇને યોગ્ય રિસર્ચ તથા હોમવર્ક પૂર્ણ કર્યા બાદ ટેબલ પર આવશે. અમુક સ્ટાર ખેલાડીઓ માટે કેટલીક ફ્રેન્ચાઈઝી વચ્ચે આકરી સ્પર્ધા થઈ શકે છે. ટ્રેવિસ હેડ, રચિન રવિન્દ્રનન અને મિચેલ સ્ટાર્ક જેવા કેટલાક મોટા સ્ટાર્સ હરાજીમાં પોતાનું નસીબ અજમાવશે. ત્યારે આવો જાણીએ હરાજીમાં કોણ કોણ ઉપસ્થિત રહી શકે છે..
મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના માલિકણ નીતા અંબાણી ટાર્ગેટ ખેલાડીઓને ખરીદ્યા બાદ હંમેશા ખુશખુશાલ માહોલમાં જોવા મળે છે. તેઓ IPL હરાજીમાં હંમેશા ઉપસ્થિત રહે છે, અને તેમની હાજરી દરેકને તેમના લક્ષ્ય પર કેન્દ્રિત રાખે છે. તેમની સાથે તેમનો પુત્ર આકાશ અંબાણી પણ હરાજીમાં હાજરી આપે છે. બંને સામાન્ય રીતે એકદમ શાંત હોય છે અને ટીમ મેનેજમેન્ટને નિર્ણય લેવામાં મદદ કરે છે.
કાશી વિશ્વનાથન ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ છે. હરાજી દરમિયાન તેઓ હંમેશા કાનમાં ઈયરફોન પહેરીને બેસેલા જોવા મળે છે. CSKએ કયો ખેલાડી ખરીદવો અને કોને નહીં તે નક્કી કરવામાં કાશી વિશ્વનાથનની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ મહાન ખેલાડી વર્ષ 2022માં રાજસ્થાન રોયલ્સના ડિરેક્ટર તરીકે ટીમમાં જોડાયા હતા અને ત્યારથી તેણે બે હરાજીમાં ભાગ લીધો છે. સંગાકારાનો શાંત સ્વભાવ અને ઠંડક હરાજી દરમિયાન પણ જોવા મળે છે અને તે ખૂબ જ સમજદારીભર્યા નિર્ણય લેતો હોય તેવું લાગે છે. સંગાકારા ક્રિકેટના શ્રેષ્ઠ દિમાગ ધરાવતા લોકોમાંના એક છે અને આ વર્ષે હરાજીમાં ખેલાડીઓની પસંદગીમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા હરાજી દરમિયાન પણ ટીમના અન્ય માલિકો અને મેનેજમેન્ટ સાથે સતત વાત કરે છે. નેહરા પણ ખૂબ સમજી-વિચારીને ખેલાડીઓની પસંદગી કરે છે. આ ટીમ છેલ્લા બે વખતથી ફાઇનલમાં પહોંચી રહી છે.
ઝિમ્બાબ્વેનો મહાન ખેલાડી એન્ડી ફ્લાવર છેલ્લી હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સના ઓક્શન ટેબલ પર જોવા મળ્યો હતો. જો કે, આ વર્ષે એન્ડી ફ્લાવર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હરાજીની વ્યૂહરચના બનાવતો જોવા મળશે. RCBને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ જસ્ટિન લેંગર લખનૌ સુપર જાયન્ટ્સના નવા કોચ બનશે. અગાઉ ગૌતમ ગંભીર પણ લખનૌના ટેબલ પર જોવા મળ્યો હતો, પરંતુ તે આ વર્ષે જોવા મળશે નહીં. લખનૌને લેંગર પર ઘણો વિશ્વાસ છે. આશા છે કે તે આ ટીમને ચેમ્પિયન બનાવવા માટે હરાજીમાં મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લેતો જોવા મળશે.
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગાંધી હરાજીમાં તેમની શાનદાર વ્યૂહરચના માટે જાણીતા છે.
તે હરાજીમાં ઘણો અનુભવી છે અને તેઓ જાણે છે કે કયા ખેલાડીઓ માટે કેવી રીતે બોલી લગાવવી. આ જ કારણ છે કે દિલ્હી ભલે ક્યારેય ચેમ્પિયન ન બન્યું હોય, પરંતુ ટીમમાં ક્યારેય સ્ટાર ખેલાડીઓની અછત નથી રહી.
જ્હાન્વી મહેતા હરાજી અંગેની KKR થિંક ટેંકની મહત્વપૂર્ણ સભ્ય છે. KKRના સહ-માલિકો જય મહેતા અને જુહી ચાવલાની પુત્રી જ્હાન્વી આ વખતે તેની ટીમ જે ખેલાડીઓ ખરીદવા માંગે છે તેની યાદી સાથે તૈયાર છે. આ વર્ષે તે KKR CEO વેંકી મૈસૂર અને માર્ગદર્શક ગૌતમ ગંભીર સાથે હરાજીના ટેબલ પર જોવા મળી શકે છે. હવે જોવાનું એ છે કે સુહાના ખાન અને આર્યન ખાન હાજર રહેશે કે નહીં.
IPL ઓક્શનમાં પંજાબ કિંગ્સની સહ-માલિકણ પ્રીતિ ઝિન્ટા હંમેશા હાજર રહે છે. તે છેલ્લે IPL 2022ની મેગા ઓક્શનમાં જોવા મળી હતી. તે સમયે દક્ષિણના વિસ્ફોટક બેટ્સમેન શાહરૂખ ખાન માટે બોલી લગાવી હતી અને પછી જ્યારે શાહરૂખને ખરીદવામાં આવ્યો ત્યારે તે જોરથી હસવા લાગી. આ વખતે પણ પ્રીતિ હરાજીમાં પોતાનું ગ્લેમર ફેલાવી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન દરેક હરાજીમાં હાજર રહે છે. જો કે, તે દર વખતે સારા ખેલાડીઓ ખરીદે છે, પરંતુ 2020 થી તેની ટીમ સારો દેખાવ કરી શકી નથી. કાવ્યાની હાજરીને પગલે IPL ઓક્શનમાં ગ્લેમર તથા ઇન્ટેલિજન્સનું અનોખું મિશ્રણ જોવા મળે છે.