
નવી દિલ્હી : T20 વર્લ્ડ કપ 2026 ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ને મોટો ફટકો પડ્યો છે. આ અંગે સમાચાર એજન્સીએ આઇસીસીને ટાંકીને જણાવ્યું કે T20વર્લ્ડ કપ 2026નું સમયપત્રક સંપૂર્ણપણે નક્કી થઈ ગયું છે. તેમજ તમામ ટીમો તેમની જવાબદારીઓનું પાલન કરે તેવી અપેક્ષા છે.
જોખમ મૂલ્યાંકન ઓછાથી મધ્યમ શ્રેણીમાં
આઈસીસીના સૂત્રો મુજબ સુરક્ષા મૂલ્યાંકન અને બેકઅપ પ્લાનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. ભારતમાં T20 વર્લ્ડ કપ માટે સ્વતંત્ર સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા જોખમ મૂલ્યાંકન ઓછાથી મધ્યમ શ્રેણીમાં છે. જે કોઈપણ મોટી વૈશ્વિક રમતગમત સ્પર્ધા માટે સામાન્ય માનવામાં આવે છે. આ મૂલ્યાંકનોમાં બાંગ્લાદેશ ટીમ, અધિકારીઓ અથવા કોલકાતા અને મુંબઈમાં મેચ સ્થળો માટે કોઈ સીધી કે ચોક્કસ ખતરો જણાવાયો નથી.
સમયપત્રકમાં ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી
આ ઉપરાંત આઇસીસીએ સ્પષ્ટ કર્યું છે કે સમયપત્રકમાં ફેરફાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમામ મેચનું સમયપત્રક અંતિમ સ્વરૂપ આપીને પ્રકાશિત કરવામાં આવ્યું છે. આઈસીસી અપેક્ષા રાખે છે કે બધી ભાગ લેતી ટીમો તેમની જવાબદારીઓ પૂર્ણ કરશે. આઈસીસીએ ખાતરી પણ આપી હતી કે તે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સહિત તમામ હિતધારકો સાથે વાતચીત ચાલુ રાખશે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રચનાત્મક સૂચનો પર વિચાર કરવાનું ચાલુ રાખશે.
કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા માટે આયોજન
આઇસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતમાં T20 વર્લ્ડ કપ 2026 ના આયોજન અંગે બીસીસીઆઈ અને સંબંધિત સ્થાનિક અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યું છે. આઇસીસીના જણાવ્યા અનુસાર કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા માટે સંકલન કરવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈ અને સ્થાનિક સંસ્થાઓના અનુભવ અને ટ્રેક રેકોર્ડમાં વિશ્વાસ વ્યક્ત કરતા, કાઉન્સિલે નોંધ્યું કે ભારતે અગાઉ ઘણી મોટી આંતરરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ્સનું સુરક્ષિત અને સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આઇસીસી માને છે કે આ સહયોગ અને વ્યાવસાયિક સંકલન બાંગ્લાદેશ સહિત તમામ ટીમો માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરશે.
આપણ વાંચો: પી.વી. સિંધુની ધમાકેદાર વાપસી: ઇન્ડિયા ઓપનમાં રમતા પહેલા ઈજા અંગે કરી સ્પષ્ટતા



