IPLમાં એક માત્ર સૌરાષ્ટ્રનો ખેલાડી રમશે, જૂનાગઢના 21 વર્ષીય ક્રેઇન્સ ફુલેત્રાની સનરાઇઝર્સ હૈદરાબાદે કરી પસંદગી…

ભારતીય ક્રિકેટમાં સૌરાષ્ટ્રે હંમેશા રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે. હવે આ યાદીમાં જૂનાગઢના માળિયાહાટીનો 21 વર્ષીય યુવા સ્પિનર ક્રેઇન્સ ભાવેશભાઈ ફુલેત્રાનું નામ પણ ઉમેરાયું છે. આબુ ધાબીમાં રમાયેલા આઈપીએલ મિની ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આ ઉભરતા સિતારા પર ભરોસો મૂકીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સમાચાર મળતા જ જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.
ઓક્શન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ફ્રેન્ચાઇઝીએ ક્રેઇન્સ ફુલેત્રાને તેની 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો છે. રસપ્રદ વાત એ છે કે ક્રેઇન્સ અગાઉ 2025માં હૈદરાબાદની ટીમ માટે જ નેટ બોલર તરીકે સેવા આપી ચૂક્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેની બોલિંગમાં રહેલી ધાર અને નેટ્સમાં કરેલી મહેનતને જોઈને તેને મુખ્ય ટીમમાં સ્થાન આપવાનું નક્કી કર્યું છે. સ્થાનિક ક્રિકેટમાં ગુણવત્તાયુક્ત લેફ્ટ હેન્ડ સ્પિનરોની અછત વચ્ચે ક્રેન્સને પ્લેઇંગ ઇલેવનમાં પણ રમવાની તક મળી શકે છે.
ક્રેઇન્સ ફુલેત્રાની આ સફળતા પાછળ તેનું તાજેતરનું શાનદાર ફોર્મ જવાબદાર છે. 2025ની સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગમાં તેણે ‘અનમોલ કિંગ્સ હાલાર’ તરફથી રમતા 9 મેચમાં 10 વિકેટ ઝડપી હતી. માત્ર 7 ના ઇકોનોમી રેટથી બોલિંગ કરીને તેણે મીડ ઓવરોમાં રન રોકવાની સાથે વિકેટો પણ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને લીગમાં ‘ઇમર્જિંગ પ્લેયર’નો એવોર્ડ પણ મળ્યો હતો, જેણે આઈપીએલના પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
ક્રેઇન્સની સફર અન્ય ખેલાડીઓ કરતા થોડી અલગ અને રોમાંચક છે. તેણે હજુ સુધી તેના રાજ્ય માટે એક પણ રણજી ટ્રોફી મેચ રમી નથી અને સિનિયર ડોમેસ્ટિક સ્તરે માત્ર બે ટી20 મેચનો અનુભવ ધરાવે છે. આમ છતાં, સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગમાં તેના દેખાવે તેને સીધો આઈપીએલ જેવો મોટો બ્રેક અપાવ્યો છે. સ્થાનિક લીગમાંથી સીધો વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ સુધી પહોંચવું એ ક્રેન્સની જબરી ક્ષમતા અને મહેનત દર્શાવે છે.
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પાર્થભાઈ કોટેચાએ ક્રેઇન્સની પસંદગી પર હર્ષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ક્રેઇન્સમાં જન્મજાત ટેલેન્ટ છે અને એસોસિએશને હંમેશા તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે. પાર્થ કોટેચાએ આ સફળતા બદલ બીસીસીઆઈના જયદેવ શાહ સહિતના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. પરિવાર અને કોચની આંખોમાં પણ પોતાના દીકરાને ટીવી પર રમતા જોવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો…રાતોરાત કરોડપતિ બની ગયેલો અનકૅપ્ડ પ્લેયર મુકુલ ચૌધરી કોણ છે?



