IPL 2026

IPL મિનિ ઓક્શન: 5 ખેલાડી ખરીદાયા 84 કરોડમાં, બાકીના 72 પાછળ માત્ર 115 કરોડ

અબુ ધાબી: IPL 2026 માટે યોજાયેલી મીની-ઓક્શન લાગણીસભર અને આર્થિક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ રહી. આ ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી 77 ખેલાડીઓ (48 ભારતીય અને 29 વિદેશી) વેચાયા હતા. ખેલાડીઓને ખરીદવા માટે વિવિધ ફ્રેન્ચાઇઝી ટીમોએ કુલ રૂ. 215.45 કરોડનો ખર્ચ કર્યો છે, પરંતુ ખર્ચના આંકડાઓ પર એક નજર કરતા માલૂમ પડે છે કે, કુલ ખર્ચના 40 ટકા રકમ માત્ર માત્ર પાંચ ખેલાડીઓ પર જ ખર્ચાઈ છે.

KKRએ બે ખેલાડીઓ પાછળ રૂ. 43.20 કરોડ ખર્ચ્યા

IPL 2026ના મીની-ઓક્શનમાં પાંચ ખેલાડીઓ 12 કરોડથી વધુની કિંમતમાં ખરીદાયા છે. કેમેરોન ગ્રીન આ ઓક્શનનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ સાથે તેણે IPLના ઇતિહાસમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી તરીકેનો પણ રેકોર્ડ બનાવ્યો છે. કેમેરોન ગ્રીનની બેઝ પ્રાઇસ રૂ. 2 કરોડ હતી. તેને KKRએ 25.20 કરોડ ખરીદ્યો છે.

કેમેરોન ગ્રીન પછી શ્રીલંકાના બોલર મથીશા પાથિરાણાનું નામ આવે છે. તેની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ છે. જ્યારે KKRએ તેને રૂ. 18 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આમ, KKR એ ફક્ત બે ખેલાડીઓ પાછળ જ રૂ. 43.20 કરોડ ખર્ચ્યા છે. બે સ્ટાર ખેલાડીઓ બાદ અનકેપ્ડ ખેલાડીઓ પર ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) દ્વારા રૂપિયાની લ્હાણી કરવામાં આવી છે. CSKએ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા નામના બે અનકેપ્ડ ક્રિકેટર્સને રૂ. 14.20 કરોડની જંગી રકમમાં ખરીદ્યા છે. આ સાથે બંને અનકેપ્ડ ખેલાડીઓના નામે એક નવો રેકોર્ડ સર્જાયો છે.

લિયામ લિવિંગસ્ટોન 13 કરોડમાં ખરીદાયો

ઉલ્લેખનીય છે કે, IPL 2026ના મીની-ઓક્શનના પહેસા તબક્કામાં લિયામ લિવિંગસ્ટોન પર કોઈએ બોલી લગાવી ન હતી, પરંતુ બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) તેને રૂ. 13 કરોડમાં ખરીદ્યો હતો અને તેનો સૌથી વધારે કિંમતમાં ખરીદાયેલા ખેલાડીઓમાં સમાવેશ થયો હતો.

આમ, IPL 2026ના મીની-ઓક્શનના કુલ રૂ. 215 કરોડના બિડિંગમાંથી લગભગ રૂ. 86 કરોડની બોલી માત્ર આ પાંચ ખેલાડીઓ માટે લગાવવામાં આવી હતી. જે પૈકીના બે ખેલાડીઓ તો એવા છે, જેઓ હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમ્યા નથી.

આપણ વાંચો:  IPLનો એક સમયનો સુપરસ્ટાર બે વાર ના વેચાયો, છેલ્લે ત્રીજા રાઉન્ડમાં માત્ર 75 લાખમાં ખરીદાયો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button