યશસ્વીનો અનોખો વિક્રમઃ દુનિયાનો પહેલો બૅટ્સમૅન છે જેણે…

નવી દિલ્હીઃ 2008નું પ્રથમ આઇપીએલ-ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સ (RR) આ વખતે પ્લે-ઑફમાં ન પહોંચી શક્યું, પરંતુ એના ઓપનર યશસ્વી જયસ્વાલે (YASHASVI JAISWAL) એક કમાલ જરૂર કરી છે જેને કારણે તેનું અને રાજસ્થાનનું નામ ક્રિકેટ જગતમાં ચમકી રહ્યું છે. 18 વર્ષની આઇપીએલ (IPL-2025)માં વર્તમાન ક્રિકેટના લગભગ બધા જ ક્રિકેટરો રમી ચૂક્યા છે એટલે વિશ્વભરના ખેલાડીઓ વચ્ચે યશસ્વી એકમાત્ર બૅટ્સમૅન બન્યો છે જેણે આઇપીએલની એક સીઝનમાં પાંચ વખત દાવની શરૂઆત બાઉન્ડરી (સિક્સર કે ફોર) સાથે કરી હોવાની સિદ્ધિ બે વાર (2023માં અને 2025માં) મેળવી છે.
યશસ્વી દુનિયાનો એવો પ્રથમ બૅટ્સમૅન પણ બન્યો છે જેણે આઇપીએલમાં ઇનિંગ્સના પ્રથમ બૉલ પર બાઉન્ડરી (BOUNDRIES) ફટકારવાની સિદ્ધિ કુલ 13મી વાર મેળવી છે.
સીઝનમાં સૌથી વધુ વખત ઇનિંગ્સના પ્રથમ બૉલમાં બાઉન્ડરી કોની?:
યશસ્વી જયસ્વાલ, પાંચ વાર, 2025માં
યશસ્વી જયસ્વાલ, પાંચ વાર, 2023માં
વીરેન્દર સેહવાગ, પાંચ વાર, 2014માં
વિરાટ કોહલી, ચાર વાર, 2023માં
સુનીલ નારાયણ, ચાર વાર, 2018માં
ફિલ સૉલ્ટ, ચાર વાર, 2025માં
આ પણ વાંચો: યશસ્વીનું અબાઉટ ટર્ન, કહે છે કે ‘મારે તો હવે…’
યશસ્વી રાજસ્થાનના બૅટ્સમેનોમાં અવ્વલઃ
યશસ્વી મંગળવારે દિલ્હીમાં ચેન્નઈ સામેની મૅચમાં 36 રન કરી શક્યો હતો, પરંતુ તેનું એ સાધારણ યોગદાન રાજસ્થાનને 188 રનનો લક્ષ્યાંક મેળવવા કામ લાગ્યું હતું. તેણે 19 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં બે સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી. આ વખતની આઇપીએલમાં રાજસ્થાન વતી સૌથી વધુ 559 રન તેના નામે છે. ધ્રુવ જુરેલ 333 રન સાથે બીજા નંબરે અને વૈભવ સૂર્યવંશી 252 રન સાથે ત્રીજા સ્થાને છે. જોકે યશસ્વી-જુરેલ તમામ 14 મૅચ રમ્યા હતા, જ્યારે સૂર્યવંશી ફક્ત સાત મૅચ રમ્યો હતો. યશસ્વીના 559 રન આ વખતની આઇપીએલના તમામ બૅટ્સમેનોમાં (બુધવારે સાંજ સુધીમાં) ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શનના 617 રન અને શુભમન ગિલના 601 રન પછી ત્રીજા સ્થાને હતા.
આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વાર દાવના પ્રથમ બૉલમાં ફોર કોની?:
યશસ્વી જયસ્વાલ, 13 વખત
વિરાટ કોહલી, 11 વખત
ક્વિન્ટન ડિકૉક, 11 વખત
રૉબિન ઉથપ્પા, 10 વખત
આ પણ વાંચો: યશસ્વી ભવઃ રાજસ્થાન શાનથી જીત્યું
પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સરઃ અભિષેક પ્રથમ, યશસ્વી બીજોઃ
રાજસ્થાન રૉયલ્સનો યશસ્વી જયસ્વાલ આઇપીએલની એક સીઝનમાં પાવરપ્લે દરમ્યાન (ઇનિંગ્સની પ્રથમ છ ઓવરમાં) સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજો બૅટ્સમૅન છે. તેણે આ વખતની સીઝનમાં પાવરપ્લેમાં કુલ બાવીસ છગ્ગા માર્યા હતા. જોકે આ યાદીમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો અભિષેક શર્મા (29 છગ્ગા) પહેલા નંબરે છે.
એક સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર કોની?:
અભિષેક શર્મા (2024માં), 29 વખત
યશસ્વી જયસ્વાલ (2025માં), 22 વખત
સનથ જયસૂર્યા (2008માં) 22 વખત
ટ્રૅવિસ હેડ (2024માં), 22 વખત
ક્રિસ ગેઇલ (2015માં), 21 વખત