IPL 2025

બન્ને ઓપનરના હિટ-શૉની મદદથી ગુજરાતના છ વિકેટે 224

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 224 રન કર્યા હતા જેમાં ખાસ કરીને ઓપનર્સના યોગદાન તોતિંગ સ્કોર માટે પાયારૂપ સાબિત થયા હતા. આઇપીએલ (IPL-2025)ના સૌથી સફળ બૅટ્સમેનમાંના એક સાઇ સુદર્શન (48 રન, 23 બૉલ, નવ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (76 રન, 38 બૉલ, બે સિક્સર, દસ ફોર) વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી.

ગિલ અને જૉસ બટલર (64 રન, 37 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 62 રનની અને બટલર તથા વૉશિંગ્ટન સુંદર (21 રન, 16 બૉલ, એક સિક્સર) વચ્ચે ત્રીજી વિકેટ માટે પંચાવન રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે 19મી ઓવરમાં 206 રનના સ્કોર પર બટલરની ત્રીજી વિકેટ પડવા સહિત 18 રનમાં કુલ ચાર વિકેટ પડી હતી. હૈદરાબાદનો જયદેવ ઉનડકટ સૌથી વધુ ત્રણ વિકેટ લેવામાં સફળ થયો હતો. છેલ્લી ત્રણેય વિકેટ તેણે લીધી હતી. કૅપ્ટન પૅટ કમિન્સ અને ઝીશાન અલીને એક-એક વિકેટ મળી હતી અને ગિલ રનઆઉટ થયો હતો. રાહુલ તેવાટિયા (6) અને રાશીદ ખાને (0) સસ્તામાં વિકેટ ગુમાવી હતી.

એ પહેલાં, પૅટ કમિન્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એ સાથે યજમાન ગુજરાતની ટીમને 2024ના હાર્ડ-હિટર્સ સામે મોટો સ્કોર નોંધાવવાનો મોકો મળ્યો અને એવું જ બન્યું.

હૈદરાબાદની ટીમે છેલ્લી મૅચની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે, પરંતુ ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. અફઘાનિસ્તાનના પેસ બોલર કરીમ જનતના સ્થાને જેરાલ્ડ કૉએટઝીને પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર કૉએટઝીએ અગાઉ આઇપીએલમાં સારું પર્ફોર્મ કર્યું હતું.
છઠ્ઠી એપ્રિલે હૈદરાબાદમાં રમાયેલી મૅચમાં ગુજરાતે સનરાઇઝર્સ સામે 20 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. 17 રનમાં હૈદરાબાદની ચાર વિકેટ લેનાર ગુજરાતના મોહમ્મદ સિરાજને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આ પણ વાંચો…IPL 2025: બે ટીમ બહાર થયા બાદ Playoff ની રેસ રસપ્રદ બની, જાણો દરેક ટીમ માટે સમીકરણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button