IPL 2025

રાજસ્થાનના કોચ દ્રવિડના બેંગલૂરુમાં આરસીબી હવે પહેલી વાર જીતશે કે નહીં?

14 વર્ષના વૈભવ સૂર્યવંશીને હવે એમ. ચિન્નાસ્વામીનું સ્ટેડિયમ પણ ગજાવવાનો મોકો

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આ વખતે આઠમાંથી પાંચ મૅચ જીતીને 10 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે, પણ આ ટીમ એવી છે જે ઘરઆંગણે હજી સુધી એક પણ મૅચ નથી જીતી શકી. રજત પાટીદારના નેતૃત્વમાં આરસીબીએ આઠમાંથી પાંચેય જીત હરીફ ટીમના મેદાન પર મેળવી છે, પણ હોમટાઉન બેંગલૂરુમાં આ ટીમ ત્રણેય મૅચ હારી છે. નવાઈની વાત એ છે કે આજે (સાંજે 7.30 વાગ્યાથી) આરસીબી સામે રમનારી રાજસ્થાન રૉયલ્સ (RR)ની ટીમનો હેડ-કોચ રાહુલ દ્રવિડ (RAHUL DRAVID) બેંગલૂરુ(BENGALURU)નો જ છે અને તે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાનથી સુપરિચિત છે.

રાજસ્થાનની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છેક આઠમા નંબરે છે. એનો હેડ-કોચ રાહુલ દ્રવિડ બેંગલૂરુનો જ છે અને તે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ વિશે બીજા કરતાં વધુ પરિચિત છે.

જોકે ઈજાગ્રસ્ત સંજુ સૅમસનની ગેરહાજરીમાં રિયાન પરાગના નેતૃત્વમાં રમનારી રાજસ્થાનની ટીમ છેલ્લી ચારેય મૅચ હારી છે એટલે હવે પરાજયની એ પરંપરા પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખવા એણે આજે તોડવી જ પડશે.

આ પણ વાંચો: મુંબઈનો વિજયી ચોક્કો, ત્રીજા સ્થાને આવી ગયું…

ઓપનિંગ સારું તો જીત આસાન

રવિવાર, 13મી એપ્રિલે જયપુરમાં આરસીબી-આરઆર વચ્ચે જે મૅચ રમાઈ હતી એમાં રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલ (75 રન) ચમક્યો હતો, પરંતુ એના જવાબમાં આરસીબીના બન્ને ઓપનર ફિલ સૉલ્ટ (65 રન) અને વિરાટ કોહલી (62 અણનમ)ની 92 રનની ભાગીદારી બાદ દેવદત્ત પડિક્કલ (40 અણનમ)એ પણ આરસીબીની જીત આસાન કરી આપી હતી. ટૂંકમાં, આજે જે ટીમનું ઓપનિંગ સારું હશે એના વિજયની સંભાવના વધી જશે.

14 વર્ષના વૈભવ પર નજર

જોકે 13મી એપ્રિલની એ મૅચમાં રાજસ્થાનની ટીમમાં 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી નહોતો. તે હવે ઇલેવનમાં આવી ગયો છે. યાદ છેને, શનિવાર 19મી એપ્રિલે જયપુરમાં વૈભવે છગ્ગો ફટકારીને ધમાકેદાર અને ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું. આઇપીએલના આ સૌથી નાની ઉંમરના ઓપનરે એ દિવસે ત્રણ છગ્ગા અને બે ચોક્કાની મદદથી 34 રન કર્યા હતા. આ નીડર ટીનેજરે શાર્દુલ ઠાકુર અને આવેશ ખાન જેવા અસરદાર બોલરની બોલિંગમાં સિક્સર ફટકારીને ક્રિકેટ જગતને ટૂંકી ઇનિંગ્સમાં જ પોતાની તાકાત બતાવી દીધી હતી. હવે આજે વૈભવે બેંગલૂરુના ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, યશ દયાલ, સુયશ શર્મા અને કૃણાલ પંડ્યા જેવા જાણીતા બોલર સામે પરીક્ષા આપવાની છે.

આ પણ વાંચો: બે મિનિટનું મૌન, હાથ પર કાળી પટ્ટી, સંગીતનો જલસો નહીં, ફટાકડા પણ નહીં અને ચિયરલીડર્સના પર્ફોર્મન્સ પણ રદ…

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન

બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, જિતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ. 12મો પ્લેયરઃ સુયશ શર્મા

રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, શુભમ દુબે, વનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, માહીશ થીકશાના અને તુષાર દેશપાંડે. 12મો પ્લેયરઃ સંદીપ શર્મા/આકાશ મઢવાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button