આજે અક્ષરની દિલ્હી હજીયે અપરાજિત રહી શકશે?: બેંગલૂરુ હોમ-ગ્રાઉન્ડ પર જીતશે?

બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની યજમાન ટીમ અને આ વખતની આઇપીએલમાં અપરાજિત રહેલી દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ વચ્ચે જંગ ખેલાશે. આ મુકાબલો ખાસ કરીને આરસીબીના વિરાટ કોહલી (VIRAT KOHLI) વિરુદ્ધ ડીસીના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (MITCHELL STARC) તેમ જ આરબીસીના કૅપ્ટન રજત પાટીદાર (RAJAT PATIDAR) અને ડીસીના રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ (KULDEEP YADAV) વચ્ચેનો ગણાય છે. જોકે વિરાટ અને પાટીદારને ડીસીનો બીજો કોઈ બોલર પણ ભારે પડી શકે.
આરસીબીએ સોમવારના મહા મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ને વાનખેડેમાં 12 રનથી હરાવીને 10 વર્ષે આ સ્થળે વિજય મેળવ્યો એટલે આરસીબીના ખેલાડીઓ જબરદસ્ત જોશમાં છે. બીજી બાજુ, અક્ષર પટેલની કૅપ્ટન્સીમાં ડીસીના ખેલાડીઓ શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પચીસ રનથી હરાવીને જીતની હૅટ-ટ્રિક નોંધાવીને લગભગ અઠવાડિયાના આરામ બાદ બેંગલૂરુ આવ્યા છે એટલે ડીસીનો એકેએક ખેલાડી 100 ટકા ક્ષમતાથી રમશે અને જીતવા માટે કોઈ કસર નહીં છોડે એમાં લેશમાત્ર શંકા નથી.
આ પણ વાંચો: RCB vs DC: આજે વિરાટ કોહલી આ મામલે રોહિત શર્માને પાછળ છોડી શકે છે
ચારમાંથી ત્રણ મૅચ જીતનાર આરસીબી છ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ડીસી ત્રણેય મૅચ જીતીને (ગુજરાત ટાઇટન્સ પછી) બીજા નંબર પર છે.
આરસીબી ચારમાંથી ત્રણ મૅચ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા સ્થાને છે, પરંતુ આ ત્રણેય વિજય હરીફ ટીમના મેદાન પર મેળવ્યા હતા અને બીજી એપ્રિલે આરસીબીની ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની હાર બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ હતી.
2022 અને 2024ની સીઝનમાં આરસીબીને પહોંચાડવા બદલ ફાફ ડુ પ્લેસી હીરો બની ગયો હતો. 2022 અને 2023માં તેણે આરસીબી વતી સૌથી વધુ રન કર્યા હતા. જોકે હવે ડુ પ્લેસી દિલ્હીની ટીમમાં છે અને આજે આરસીબીની ટીમે પરાજય જોવો પડે એમાં કોઈ કસર બાકી નહીં રાખે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, યશ દયાલ. (12મા પ્લેયર) સુયશ શર્મા/સ્વપ્નિલ સિંહ/રસિખ સલામ.
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ફાફ ડુ પ્લેસી/સમીર રિઝવી, જેક ફ્રેઝર-મૅકગર્ક, અભિષેક પોરેલ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, વિપ્રાજ નિગમ, મિચલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, મોહિત શર્મા/ટી. નટરાજન. (12મો પ્લેયર) આશુતોષ શર્મા