કોહલી રવિવારે વિશ્વવિક્રમ તોડતાં પહેલાં આઉટ હતો? નસીબથી બચી ગયો…

નવી દિલ્હી: રવિવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મૅચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ના વિરાટ કોહલી (51 રન, 47 બૉલ, ચાર ફોર)એ કેટલાક એક વર્લ્ડ રેકોર્ડ સહિત કેટલાક વિક્રમો રચ્યા હતા અને અમુક સિદ્ધિ પણ મેળવી હતી, પરંતુ એ પહેલાં તે એક બૉલમાં ક્રિકેટના કાયદા મુજબ આઉટ હતો. જોકે કોઈએ અપીલ ન કરી હોવાથી નસીબથી તે બચી ગયો હતો.
અક્ષર પટેલના સુકાનમાં દિલ્હી (20 ઓવરમાં 162/8)ની ટીમ બેંગલૂરુના ભુવનેશ્વર કુમારની ત્રણ, હેઝલવુડની બે તેમ જ કુણાલ પંડ્યાની એક અને યશ દયાલની એક વિકેટને લીધે મર્યાદિત રહી હતી અને બેંગલૂરુને જીતવા ૧૬૩ રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે 18.3 ઓવરમાં 165/4ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
સ્પિન-ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (73 અણનમ, 47 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ આ મૅચમાં બોલર તરીકે નહીં, પરંતુ બૅટ્સમૅન તરીકે બેંગલૂરુને વિજય અપાવ્યો હતો અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી ગયો હતો. તેની અને કોહલી (Virat kohli) વચ્ચે 119 રનની ભાગીદારી થઈ હતી.
કોહલીએ કયો વિશ્વવિક્રમ કર્યો?:
ટી-20 ક્રિકેટમાં કોઈ એક જ ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન કરનારા વિશ્વભરના બૅટ્સમેનોમાં હવે વિરાટ કોહલી પ્રથમ છે. તે મૂળ દિલ્હી શહેરનો જ છે, પરંતુ, દિલ્હી કેપિટલ્સ સામે તેણે સૌથી વધુ રન કર્યા છે અને એ વર્લ્ડ રેકોર્ડ છે. વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે કુલ 1,154 રન કર્યા છે અને એ રીતે તેણે ડેવિડ વૉર્નર (પંજાબ સામે 1,134 રન)નો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો છે.
ટી-20 ફૉર્મેટમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન કરનારાઓની યાદી:
(1) વિરાટ કોહલી, દિલ્હી કેપિટલ્સ સામે 1,154 રન
(2) ડેવિડ વૉર્નર, પંજાબ કિંગ્સ સામે 1,134 રન
(3) શિખર ધવન, ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1,105 રન
(4) વિરાટ કોહલી, પંજાબ કિંગ્સ સામે 1,104 રન
(5) વિરાટ કોહલી, ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1,098 રન
કોહલી નવી સિદ્ધિ સાથે નંબર વન, સૂર્યકુમાર નંબર ટૂ:
આઈપીએલ (IPL)ની એક જ સીઝનમાં 400-પ્લસ રનની સિદ્ધિ 11 વખત મેળવનાર વિરાટ કોહલી એકમાત્ર બેટ્સમૅન છે. વર્તમાન આઈપીએલમાં (સોમવારની ગુજરાત-રાજસ્થાન મૅચ પહેલાં) તે 443 રન સાથે મોખરે હતો. મુંબઈ ઇન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ 427 રન સાથે બીજા નંબરે હતો.
કોહલીએ રવિવારે બૉલને હાથથી રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ…
રવિવારની મૅચમાં બેંગ્લૂરુનો સ્કોર જ્યારે ત્રણ વિકેટે 35 રન હતો અને કોહલી 15 રને રમી રહ્યો હતો ત્યારે તે દિલ્હીના ફીલ્ડર્સની અપીલના અભાવે બચી ગયો હતો. વિપ્રજ નિગમના પહેલા બૉલને કોહલીએ મિડ-વિકેટ તરફ મોકલ્યો હતો. ત્યાંથી ફિલ્ડરે થ્રો કરીને બૉલ વિકેટકીપર કેએલ રાહુલ તરફ ફેંક્યો ત્યારે કોહલીએ વચ્ચે આવીને બૉલ પોતાના કબજામાં લઈને સીધો બોલરને આપવાના પ્રયત્નની ભૂલ કરી હતી. દિલ્હીના ફીલ્ડર્સે ગંભીરતાથી અપીલ કરી હોત તો કોહલીને અમ્પાયરે આઉટ આપ્યો હોત. કોહલી એમ સમજ્યો હતો કે બૉલ ડેડ થઈ ગયો હતો. હકીકતમાં એ બૉલ વિકેટકીપરના ગ્લવ્ઝમાં ન પહોંચ્યો ત્યાં સુધી ડેડ નહોતો.
કોહલીએ વચ્ચેથી જ બૉલને આંતરી લેવાની ભૂલ પહેલી વાર નથી કરી. તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મૅચમાં પણ કોહલીએ આવું કર્યું હતું. પાકિસ્તાનની ટીમમાંથી કોઈએ અપીલ નહોતી કરી એટલે તે બચી ગયો હતો. ત્યારે સુનીલ ગાવસકરે કોમેન્ટરી બૉક્સમાંથી કહ્યું હતું કે ‘કોહલી નસીબવાળો છે.’
આપણ વાંચો: RCB સામે હાર બાદ અક્ષર પટેલની કેપ્ટનશીપ સામે સવાલ! આ 2 ભૂલ ભારે પડી
ગઈ આઈપીએલમાં રવીન્દ્ર જાડેજાને ‘ઓબસ્ટ્રકટિંગ ધ બૉલ’ના ક્રિકેટલક્ષી ગુના બદલ આઉટ આપવામાં આવ્યો હતો. અગાઉની આઇપીએલમાં યુસુફ પઠાણ અને અમિત મિશ્રાએ પણ આ રીતે વિકેટ ગુમાવી હતી.