ભારતનો ગુજરાતી ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં!

ચેન્નઈઃ મહેસાણામાં જન્મેલા ગુજરાતની રણજી ટીમના 26 વર્ષીય બૅટ્સમૅન ઉર્વિલ પટેલને ગયા વર્ષે આઇપીએલ-2025 (IPL-2025) માટેની હરાજીમાં એક પણ ટીમને નહોતો લીધો, પણ તેણે પછીથી એક રેકૉર્ડ કર્યો હતો જેને ધ્યાનમાં લઈને છેક હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ તેને પોતાની સ્ક્વૉડમાં સમાવ્યો છે.
ઉર્વિલ મુકેશ પટેલ ભારતનો ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરિયન (FASTEST CENTURION) છે અને તેને ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ પગની ઘૂંટીમાં ઈજા પામેલા વંશ બેદીના સ્થાને સ્ક્વૉડમાં સમાવ્યો છે. ઉર્વિલને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં મેળવવામાં આવ્યો છે.
ઉર્વિલે ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામેની મૅચમાં ફક્ત 28 બૉલમાં સદી ફટકારી હતી. ત્યારે તેણે રિષભ પંત (32 બૉલમાં સદી) અને રોહિત શર્મા (35 બૉલમાં સદી)નો ભારતીય રેકૉર્ડ તોડ્યો હતો. ત્યારે ઉર્વિલ પટેલે કુલ 35 બૉલમાં બાર સિક્સર અને સાત ફોરની મદદથી કુલ 113 રન કર્યા હતા.
આ પહેલાં ચેન્નઈએ કૅપ્ટન ઋતુરાજ ગાવકવાડના સ્થાને મુંબઈના 17 વર્ષીય આયુષ મ્હાત્રેને સ્ક્વૉડમાં સામેલ કર્યો હતો.
ઉર્વિલ પટેલ વિકેટકીપર-બૅટ્સમૅન છે. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન ઉર્વિલે 10 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં એક સદીની મદદથી કુલ 423 રન કર્યા છે જેમાં 17 સિક્સર અને 41 ફોરનો સમાવેશ છે.
2023માં ઉર્વિલને ગુજરાત ટાઇટન્સે મેળવ્યો હતો, પણ ત્યારે તેને મૅચ રમવા નહોતી મળી. ઉર્વિલે સ્થાનિક ટી-20 ક્રિકેટ સહિત કુલ 47 ટી-20 મૅચમાં બે સદીની મદદથી 1,162 રન કર્યા છે જેમાં 54 સિક્સર અને 134 ફોર સામેલ હતી.
આ પણ વાંચો ક્રિકેટર ખિસ્સામાં મોબાઇલ લઈને રમવા આવ્યો અને પછી બન્યું એવું કે…