કોલકાતાએ બૅટિંગ લીધી, ચેન્નઈ વતી ઉર્વિલ પટેલનું આજે આઇપીએલમાં ડેબ્યૂ

કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મૅચ માટેનો ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. અજિંક્ય રહાણેના સુકાનમાં કેકેઆરે પ્લે-ઑફમાં પહોંચવા આજના મુકાબલા સહિત બાકીની ત્રણેય મૅચ જીતવી પડશે.
કેકેઆરે બૅટ્સમૅન વેન્કટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે તે આ આઈપીએલ (IPL-2025)માં સારું પર્ફોર્મ નથી કરી શક્યો. આજની મૅચ પહેલાં તેના હાથ પર ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હોવાથી તેના સ્થાને મનીષ પાન્ડેને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.
આપણ વાંચો: કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રવિવારથી ` કરો યા મરો’
પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગયેલી સીએસકેની ટીમે મૂળ મહેસાણાના 26 વર્ષીય ઓપનિંગ બૅટ્સમૅન ઉર્વિલ પટેલ (URVIL PATEL)ને પહેલી વાર રમવાનો મોકો આપ્યો છે. ટી-20 ક્રિકેટમાં ભારત વતી ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ ધરાવતા ઉર્વિલને શેખ રાશીદના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ડેવૉન કૉન્વેને સૅમ કરૅનની જગ્યાએ રમવાનો મોકો અપાયો છે.
ઉર્વિલે ગયા વર્ષે ઇન્દોરમાં ગુજરાત વતી ત્રિપુરા સામે રમતી વખતે માત્ર 28 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ 29 સિક્સર ફટકારવાનો વિક્રમ ઉર્વિલના નામે છે. તેણે મધ્ય પ્રદેશના રજત પાટીદારનો 27 છગ્ગાનો રેકૉર્ડ તોડ્યો હતો.
આપણ વાંચો: કોલકાતા નાઇટ રાઇડર્સે શ્રેયસ ઐય્યરને ફરી બનાવ્યો કેપ્ટન, નીતીશ રાણાને સોંપી મહત્ત્વની જવાબદારી
એમએસ ધોનીની નેતૃત્વમાં પાંચ ટાઇટલ જીતી ચૂકેલી સીએસકેની ટીમ પ્લે-ઑફ રાઉન્ડની રેસની બહાર થઈ ગઈ છે એટલે એણે હારે તો કંઈ ગુમાવવાનું નથી, પણ પોતાની શાખ જોતાં આ ટીમ રહ્યુંસહ્યું ગૌરવ સાચવવા આ મૅચ કેમેય કરીને જીતવાનો પ્રયાસ કરશે.
કેકેઆરની ટીમ 11 મૅચ બાદ 11 પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે અને ટૉપ-ફોરમાં આવવા તેમ જ પ્લે-ઑફમાં પોતાનું સ્થાન નક્કી કરવા હજી ઘણો સંઘર્ષ કરવાનો બાકી છે.
11મી એપ્રિલે કોલકાતા-ચેન્નઈની મૅચમાં ચેન્નઈની ટીમ માત્ર 103/9ના સ્કોર બાદ આઠ વિકેટે હારી ગઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર સુનીલ નારાયણ (13 રનમાં ત્રણ વિકેટ અને પછી 18 બૉલમાં 44 રન) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો.
આપણ વાંચો: કોલકાતા માટે આજે ફરી `કરો યા મરો’: ચેન્નઈને ગૌરવ બચાવવા જીતવું જ છે
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવનઃ
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાન્ડે, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મોઇન અલી, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ ઍન્રિક નોર્કિયા, મયંક માર્કન્ડે, હર્ષિત રાણા, અનુકૂલ રૉય, લવનીથ સિસોદિયા.
ચેન્નઈઃ એમએસ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવૉન કૉન્વે, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બે્રવિસ, આર. અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહમદ, મથીશા પથિરાના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શિવમ દુબે, દીપક હૂડા, જૅમી ઓવર્ટન, કમલેશ નાગરકોટી, રામક્રિષ્ના ઘોષ.