ટ્રેવિસ હેડે ઊંચો છગ્ગો ફટકારીને જોફ્રા આર્ચરને ધોળા દિવસે તારા દેખાડ્યા
12.50 કરોડ રૂપિયાવાળા બ્રિટિશ પેસ બોલરની ચાર ઓવરમાં 20 બાઉન્ડરીઝ અને 76 રન, નવા વિક્રમ બન્યા

હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)માં આજે બપોરે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઇશાન કિશન (106 અણનમ, 47 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) નામનો તોફાની પવન તો ફૂંકાયો જ હતો, ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રેવિસ હેડ (67 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ની ફટકાબાજી પણ જેવીતેવી નહોતી.
રાજસ્થાન રૉયલ્સ (RR)ના બોલર્સની ખબર લેવાની અભિષેક શર્મા (24 રન, 11 બૉલ, પાંચ ફોર) સાથે મળીને શરૂઆત હેડે જ કરી હતી અને એમાં ખાસ કરીને બ્રિશિશ પેસ બોલર જોફ્રા આર્ચરની બોલિંગને તેણે ચીંથરેહાલ કરી હતી.
આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
ટ્રેવિસ હેડે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા જેમાંનો જોફ્રાના એક બૉલમાં ફટકારેલો એક છગ્ગો 105 મીટર લાંબો હતો. એ રીતે, જોફ્રાને હેડે ધોળે દિવસે તારા દેખાડ્યા હતા. રાજસ્થાને જોફ્રાને મેગા ઑક્શનમાં 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેણે પહેલી જ મૅચમાં ખરાબ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.
જોફ્રાની બોલિંગ-ઍનેલિસિસ (4-0-76-0) આઇપીએલનો નવો વિક્રમ છે. જોફ્રાએ ચાર ઓવરમાં 76 રન આપીને મોહિત શર્માનો ગયા વર્ષનો વિક્રમ તોડ્યો છે. 2024માં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં મોહિતની ચાર ઓવરમાં 73 રન થયા હતા અને તેને એકેય વિકેટ નહોતી મળી.
આપણ વાંચો: આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…
જોફ્રા આર્ચર આજની ચાર ઓવરમાં એક જ ડૉટ બૉલ ફેંકી શક્યો હતો. તેના બાકીના બૉલમાં કુલ 20 બાઉન્ડરીઝ (16 ફોર, ચાર સિક્સર) ગઈ હતી અને એ સાથે તેની એક દાવની ચાર ઓવર આઇપીએલના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ (76 રન) સાબિત થઈ હતી.
આઇપીએલના સૌથી ખર્ચાળ બોલર્સ
જોફ્રા આર્ચર (રાજસ્થાન)ઃ 0/76, હૈદરાબાદ સામે
મોહિત શર્મા (ગુજરાત)ઃ 0/73, દિલ્હી સામે
બેસિલ થમ્પી (હૈદરાબાદ)ઃ 0/70, બેંગલૂરુ સામે
યશ દયાલ (ગુજરાત)ઃ 0/69, કોલકાતા સામે
રીસ ટૉપ્લી (બેંગલૂરુ)ઃ 1/68, હૈદરાબાદ સામે