સૂર્યવંશીને સેન્ચુરી પછી 500 મિસ્ડ કૉલ આવ્યા, મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દેવો પડ્યો હતો!

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો એ તોતિંગ રકમ સૂર્યવંશીએ વસૂલ કરી આપી છે એ વાત કોઈ પણ નકારી ન શકે અને વધુ નવાઈની એક વાત એ જાણવા મળી છે કે સૂર્યવંશીએ 28મી એપ્રિલે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે જે આક્રમક સદી ફટકારી હતી એ પછી તેને પોતાના મોબાઇલ પર 500 મિસ્ડ કૉલ આવ્યા હતા જેને કારણે તેણે ફોન સ્વિચ્ડ ઑફ કરી દેવો પડ્યો હતો.
સૂર્યવંશીની સદીની મદદથી રાજસ્થાને ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું હતું. સૂર્યવંશીએ 38 બૉલમાં અગિયાર સિક્સર અને સાત ફોરની મદદથી 101 રન કર્યા હતા. તેણે 35 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી અને ભારતીય બૅટ્સમેનોમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો.
સૂર્યવંશીએ માત્ર સાત મૅચમાં 252 રન કર્યા છે અને આ સીઝનના રાજસ્થાનના બૅટ્સમેનોમાં ત્રીજા નંબરે છે.
બિહારના સમસ્તીપુર જિલ્લામાં આઠમા ધોરણમાં ભણતો સૂર્યવંશી ગુજરાત સામેની ઐતિહાસિક સેન્ચુરીની પહેલાં આઇપીએલ (IPL)માં પોતાની પ્રથમ મૅચના પહેલા બૉલમાં છગ્ગો ફટકારીને ત્યારે જ એક મોટી સિદ્ધિ મેળવી ચૂક્યો હતો.
સૂર્યવંશીએ આરઆરના હેડ-કોચ રાહુલ દ્રવિડ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાત સામેની સેન્ચુરી પછી મને 500 મિસ્ડ કૉલ આવ્યા હતા. મારે મારો ફોન સ્વિચ્ડ ઑફ કરી દેવો પડ્યો હતો. એ સદી પછી ઘણા લોકોએ મારો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ હું બધાને જવાબ નહોતો આપી શક્યો. મેં બે-ચાર દિવસ સુધી ફોન સ્વિચ્ડ ઑફ રાખ્યો હતો. મારે સતતપણે અનેક લોકોના સંપર્કમાં રહેવું પડે એવું મારે નહોતું જોઈતું. હું માત્ર મારા પરિવારજનો અને મિત્રોના જ સંપર્કમાં રહેવા માગતો હતો.'
તને પહેલી વાર આટલા મોટા ક્રાઉડની વચ્ચે રમવા મળ્યું અને આટલા મોટા મંચ પર રમ્યો એમાંથી તને શું શીખવા મળ્યું?’ એવું દ્રવિડે પૂછ્યું ત્યારે સૂર્યવંશીએ કહ્યું, `હું એ શીખ્યો કે આટલા મોટા ક્રાઉડ વચ્ચે કેવી રીતે ફૉકસ રાખીને રમવું. હું એ પણ શીખ્યો કે ટીમની જરૂરિયાત પ્રમાણે કેવી રીતે રમવું. મેં પોતાને મજબૂત મનોબળ સાથે રમીને ટીમ માટે બને એટલું સારું પ્રદર્શન કરવાની શીખ પણ મેળવી છે.’
આ પણ વાંચો…14 વર્ષના સૂર્યવંશીએ 43 વર્ષના ધોનીને પગે લાગીને આશીર્વાદ લીધા…