IPL 2025

સ્ટોઇનિસે પંજાબનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો, દિલ્હીને 207નો લક્ષ્યાંક

જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 206 રન બનાવીને દિલ્હી કૅપિટલ્સે (DC)ને 207 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. શરૂઆતની બે સાધારણ ભાગીદારી બાદ કૅપ્ટન શ્રેયસ ઐયરે (53 રન, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) ટીમને થોડી સ્થિરતા આપી હતી અને પછી છેલ્લી ક્ષણોમાં માર્કસ સ્ટોઇનિસે (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) હાર્ડ હિટિંગથી ટીમનો સ્કોર 200 પાર કરાવ્યો હતો.

ઓપનર પ્રિયાંશ આર્ય ફક્ત છ રન કરીને આઉટ થઈ ગયો હતો, પણ સાથી ઓપનર પ્રભસિમરન સિંહ (28 રન, 18 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (32 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) ટીમને સાધારણ યોગદાન આપી શક્યા હતા. શ્રેયસે (SHREYAS IYER) 18મી ઓવરમાં વિકેટ ગુમાવી ત્યાં સુધીમાં ટીમનો સ્કોર પોણાબસો નજીક પહોંચાડી દીધો હતો અને પછી (સ્કોર 200-પાર કરાવવાનું) બાકીનું કામ સ્ટોઇનિસે (MARCUS STOINIS) પૂરું કર્યું હતું. બીજા બે ભરોસાપાત્ર બૅટ્સમેન નેહલ વઢેરા અને શશાંક સિંહ અનુક્રમે 16 રન અને 11 રનનો ફાળો આપી શક્યા હતા.
દિલ્હી વતી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાને સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, અક્ષર પટેલ આ મૅચમાં પણ ન રમ્યો હોવાથી દિલ્હીનું સુકાન ફરી એક વખત ડુ પ્લેસી સંભાળ્યું અને તેણે ટૉસ જીતીને લક્ષ્યાંક ચેઝ કરવાનું પસંદ કર્યું હતું.

બે અઠવાડિયા પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ટૂંકુ યુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં સાવચેતીના પગલાં તરીકે પંજાબ-દિલ્હીની મૅચ અધવચ્ચેથી પડતી મૂકવામાં આવી હતી અને પછી નવ દિવસના સસ્પેન્શન પછી આઇપીએલ ફરી શરૂ થઈ હતી. પંજાબ-દિલ્હીની એ અધૂરી મૅચમાં પંજાબે 10.1 ઓવરમાં 122 રન કર્યા હતા. એ અધૂરી મૅચ નવેસરથી રાખવાનું નક્કી થયું અને એ આજે રમાઈ.

પંજાબ ઉપરાંત ગુજરાત, બેંગલૂરુ અને મુંબઈની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે, જ્યારે દિલ્હી તેમ જ ચેન્નઈ, હૈદરાબાદ, રાજસ્થાન, કોલકાતા અને લખનઊની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો:  પંજાબની 11 વર્ષથી અધૂરી ઇચ્છા છે, શનિવારે પૂરી થશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button