IPL 2025

હૈદરાબાદની દમદાર બૅટિંગ સામે રાજસ્થાન પરાસ્ત

રિયાન પરાગની ટીમનો 44 રનથી પરાજય: ઇશાન કિશન મૅન ઑફ ધ મૅચ, જોફ્રા આર્ચર આઇપીએલનો સૌથી ખર્ચાળ બોલર બન્યો

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સે અહીં આજે આઈપીએલ (ઇપીલ 2025)માં છ વિકેટના ભોગે 286 રનનો ઢગલો કર્યો અને પછી રાજસ્થાન રૉયલ્સ (RR)ને 20 ઓવરમાં 242/6 સુધી સીમિત રાખીને 44 રનથી વિજય મેળવ્યો હતો.

જોકે રાજસ્થાનના બૅટર્સે હૈદરાબાદની ટીમને આઇપીએલમાં પોતાના આપસના મુકાબલાઓમાં બન્ને ટીમ-ટોટલનો નવો વિક્રમ રચવામાં આડકતરી રીતે મદદ કરી હતી. આખી મૅચમાં કુલ 528 રન થયા હતા અને એ સાથે 2023ની સાલનો આ બે ટીમનો કુલ 431 રનનો વિક્રમ તૂટ્યો હતો.

હૈદરાબાદે (HYDERABAD) ખાસ કરીને મૅન ઑફ ધ મૅચ ઇશાન કિશન (106 અણનમ, 47 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) તેમ જ ટ્રેવિસ હેડ (67 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ની ફટકાબાજીના જોરે 286 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

આપણ વાંચો: સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો

રાજસ્થાનના બૅટર્સે હૈદરાબાદના બોલર્સને બહુ સારી લડત આપી હતી, પણ જો યશસ્વી જયસ્વાલ (એક રન), કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગ (ચાર રન) અને નીતિશ રાણા (11 રન) સારું રમ્યા હોત તો પરિણામ કદાચ રાજસ્થાનની તરફેણમાં હોત.

રાજસ્થાન વતી સંજુ સૅમસન (66 રન, 37 બૉલ, ચાર સિક્સર, સાત ફોર), વિકેટકીપર ધ્રુવ જુરેલ (70 રન, 35 બૉલ, છ સિક્સર, પાંચ ફોર), શિમરૉન હેટમાયર (42 રન, 23 બૉલ, ચાર સિક્સર, એક ફોર) તેમ જ વિદર્ભ વતી રમતા શુભમ દુબે (34 અણનમ, 11 બૉલ, ચાર સિક્સર, એક ફોર)એ સૌથી સારું યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો હતો, પણ રાજસ્થાનને 287 રનનો તોતિંગ લક્ષ્યાંક પહાડ જેવો લાગ્યો હતો અને પહેલા 50 રનમાં પડેલી ત્રણ વિકેટ એનો પુરાવો છે.

એ 50 રનમાં યશસ્વી, રિયાન પરાગ અને નીતિશની વિકેટ પડી હતી. ત્યાર બાદ સૅમસન-જુરેલ વચ્ચે ચોથી વિકેટ માટે 111 રનની ભાગીદારી થઈ હતી. હૈદરાબાદ વતી હર્ષલ પટેલ અને સિમરજીત સિંહે બે-બે વિકેટ તેમ જ મોહમ્મદ શમી અને ઍડમ ઝૅમ્પાએ એક-એક વિકેટ લીધી હતી. કૅપ્ટન પૅટ કમિન્સ (4-0-60-0) ટીમનો સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો.

આપણ વાંચો: સનરાઇઝર્સ હૈદરાબાદે છ અને પંજાબ કિંગ્સે પાંચ ખેલાડીઓને કર્યા રીલિઝ

આઇપીએલના ઇતિહાસમાં હૈદરાબાદનો 287/3નો ટીમ-સ્કોર હાઈએસ્ટ છે અને હૈદરાબાદની ટીમ આજે પોતાનો જ એ વિક્રમ એક રન માટે ચૂકી ગઈ હતી. હૈદરાબાદે ગયા વર્ષે 15મી એપ્રિલે બેંગલૂરુમાં આરસીબી સામે 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન કર્યા હતા અને એ તમામ ટીમના હાઇએસ્ટ ટોટલમાં રેકૉર્ડ છે.

આજે હિન્રિચ ક્લાસેન (34 રન, 14 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તેમ જ ઓપનર અભિષેક શર્મા (24 રન, 11 બૉલ, પાંચ ફોર)ના પણ હૈદરાબાદના ટોટલમાં મહત્ત્વના યોગદાન હતા.

રાજસ્થાન માટે બ્રિટિશ પેસ બોલર જોફ્રા આર્ચર (4-0-76-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. તે માત્ર રાજસ્થાનનો જ નહીં, પણ આઇપીએલના ઇતિહાસમાં ઇનિંગ્સનો સૌથી ખર્ચાળ બોલર પણ બન્યો છે. તુષાર દેશપાંડેએ ત્રણ તેમ જ માહીશ થીકશાનાએ બે તથા સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.

શનિવારે પ્રથમ મૅચમાં આરસીબીએ કેકેઆરની ટીમને સાત વિકેટે હરાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button