IPL 2025

દિલ્હીમાં ટ્રેવિસ હેડ નામના વંટોળ પછી ક્લાસેન નામનું વાવાઝોડું…

છગ્ગા-ચોક્કાની રમઝટઃ ઓપનરના 76 રન પછી વનડાઉન બૅટ્સમૅનના અણનમ 105

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આઇપીએલની 18મી સીઝનની બહાર થઈ ચૂકી છે, પણ આ વખતની ટૂર્નામેન્ટમાં પૅટ કમિન્સની આ ટીમે આરંભ પછી હવે સમાપન પણ ધમાકેદાર કર્યું. હૈદરાબાદે 23મી માર્ચે પોતાની પ્રથમ મૅચમાં રાજસ્થાન સામે 20 ઓવરમાં છ વિકેટે 286 રન કર્યા હતા અને રવિવારે અહીં દિલ્હીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે એવા જ ધમાકાભર્યા પર્ફોર્મન્સમાં 20 ઓવરમાં ત્રણ વિકેટે 278 રન કર્યા હતા. ઓપનર ટ્રેવિસ હેડ (76 રન, 40 બૉલ, છ સિક્સર, છ ફોર)ની ફટકાબાજી પછી હિન્રિક ક્લાસેન (105 અણનમ, 39 બૉલ, નવ સિક્સર, સાત ફોર)ને આતશબાજીથી દિલ્હીનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. હૈદરાબાદના બન્ને બૅટરે કોલકાતાની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી.

જોકે હૈદરાબાદની ટીમ ફરી એકવાર આઇપીએલ (IPL-2025)માં પોતે જ સર્જેલો 287 રનનો વિક્રમ તોડતાં ચૂકી ગયું હતું. 278 રનમાં ઓપનર અભિષેક શર્માનું 32 રનનું, ઇશાન કિશનનું 29 રનનું અને અનિકેત વર્માનું અણનમ 12 રનનું યોગદાન હતું. હૈદરાબાદની ટીમને 24 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. હૈદરાબાદની આખી ઇનિંગ્સમાં કુલ 19 સિક્સર અને બાવીસ ફોર ફટકારવામાં આવી હતી.

ટ્રેવિસ હેડે 26 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા તો બૅટિંગ ઓર્ડરમાં ઓપનર અભિષેકની વિકેટ પછી પ્રમોટ કરવામાં આવેલા ક્લાસેને માત્ર 17 રનમાં હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ 37મા બૉલ પર 100 રન પૂરા કર્યા હતા. કોલકાતાના છ બોલરમાંથી ચાર બોલરની બોલિંગમાં કુલ 40 કે 40થી વધુ રન બન્યા હતા. ઍન્રિક નોર્કિયા (4-0-60-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. વરુણ ચક્રવર્તી (3-0-54-0) પણ ખૂબ ખર્ચાળ બન્યો હતો. બીજા ચાર બોલરની ઍનેલિસિસ આ મુજબ હતીઃ સુનીલ નારાયણ (4-0-42-2), હર્ષિત રાણા (4-0-40-0) વૈભવ અરોરા (4-0-39-1) અને આન્દ્રે રસેલ (2-0-34-0).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button