હૈદરાબાદના બૅટર્સે મચાવ્યો હાહાકાર, હાઇએસ્ટ ટોટલનો રેકૉર્ડ એક રન માટે ચૂકી ગયા
ઇશાન કિશનની તૂફાની બૅટિંગ, જોફ્રા આર્ચર બન્યો આઇપીએલનો સૌથી ખર્ચાળ બોલર

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સ રનનો ઢગલો કરવા માટે તેમ જ હરીફ ટીમના બોલર્સની બોલિંગ-ઍનેલિસિસ બગાડી નાખવા માટે જાણીતા છે અને આજે અહીં હોમટાઉનમાં તેમણે (IPL 2025)માં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળતાં જ રનનું રમખાણ મચાવી દીધું હતું.
પૅટ કમિન્સના સુકાનમાં હૈદરાબાદે 14.30ના રનરેટથી 20 ઓવરમાં છ વિકેટના ભોગે 286 રન ખડકી દીધા હતા. જોકે આઇપીએલના ઇતિહાસમાં 287/3નો ટીમ-સ્કોર હાઈએસ્ટ છે અને હૈદરાબાદની ટીમ પોતાનો જ એ વિક્રમ એક રન માટે ચૂકી ગઈ હતી.
હૈદરાબાદે ગયા વર્ષે 15મી એપ્રિલે બેંગલૂરુમાં આરસીબી સામે 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન કર્યા હતા અને એ તમામ ટીમના હાઇએસ્ટ ટોટલમાં રેકૉર્ડ છે.
આપણ વાંચો: સનરાઇઝર્સ હૈદરાબાદે છ અને પંજાબ કિંગ્સે પાંચ ખેલાડીઓને કર્યા રીલિઝ
આજે લેફ્ટ-હૅન્ડ બૅટર ઇશાન કિશન (106 અણનમ, 47 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) હૈદરાબાદનો સુપરસ્ટાર બૅટર સાબિત થયો હતો. ટ્રેવિસ હેડ (67 રન, 31 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) તેમ જ હિન્રિચ ક્લાસેન (34 રન, 14 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તેમ જ ઓપનર અભિષેક શર્મા (24 રન, 11 બૉલ, પાંચ ફોર)ના પણ હૈદરાબાદના ટોટલમાં મહત્ત્વના યોગદાન હતા.
ઈશાન કિશને (Ishan Kishan) હૈદરાબાદની ટીમમાં ડેબ્યૂ કર્યું છે.
રાજસ્થાન માટે બ્રિટિશ પેસ બોલર જોફ્રા આર્ચર (4-0-76-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. તે (Jofra Archer) માત્ર રાજસ્થાનનો જ નહીં, પણ આઇપીએલના ઇતિહાસમાં ઇનિંગ્સનો સૌથી ખર્ચાળ બોલર પણ બન્યો છે. તુષાર દેશપાંડેએ ત્રણ તેમ જ માહીશ થીકશાનાએ બે તથા સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.
આપણ વાંચો: અભિષેક શર્મા (Abhishek Sharma) નવો સિક્સર-કિંગ: હૈદરાબાદ (SRH)ના થ્રિલરમાં સનરાઇઝર્સને જિતાડ્યું
એ પહેલાં, રાજસ્થાન રૉયલ્સના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી, પણ તેનો નિર્ણય થોડો ભૂલભરેલો લાગ્યો, કારણકે 2024ની સીઝનથી હાર્ડ-હિટિંગ માટે પંકાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના બૅટર્સે પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળતાં જ પરચો બતાવવાનો શરૂ કરી દીધો હતો અને તેમનું રનમશીન છેક સુધી વેગ સાથે ચાલુ રહ્યું હતું.
રાજસ્થાને આ ઓવરમાં વિદેશી ખેલાડી તરીકે થીકશાના તથા ફારુકી ઉપરાંત શિમરૉન હેટમાયર અને જોફ્રા આર્ચરને લીધા છે. હૈદરાબાદની ટીમમાં વિદેશી ખેલાડીઓમાં ટ્રેવિસ હેડ ઉપરાંત વિકેટકીપર હિન્રિક ક્લાસેન તથા કૅપ્ટન પૅટ કમિન્સનો સમાવેશ છે.
રાજસ્થાને 2008ની સૌપ્રથમ આઇપીએલ જીતી લીધી હતી, જ્યારે હૈદરાબાદની ટીમ 2016માં ચૅમ્પિયન બન્યા બાદ 2024માં રનર-અપ બનીને વધુ એક ટાઇટલની લગોલગ રહી હતી.
શનિવારે પ્રથમ મૅચમાં આરસીબીએ કેકેઆરની ટીમને સાત વિકેટે હરાવી દીધી હતી.