RRની બે સતત હાર બાદ રિયાન પરાગના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સ (RR) માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની શરૂઆત ખરાબ રહી. ટીમને પહેલા બંને મેચમાં હાર મળી. રાજસ્થાન રોયલ્સનો નિયમિત કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) ઈજાને કારણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે, જેના કારણે ટીમની કેપ્ટનશીપ રિયાન પરાગને સોંપવામાં આવી છે. આ સિઝનની પહેલી બંને મેચમાં હાર બાદ રિયાન પરાગના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.
RRને પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હાર મળી, ત્યાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ RRને હરાવી. IPLના ઇતિહાસમાં, રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનો પહેલો કેપ્ટન છે, જેની કેપ્ટનશીપ હેઠળ પહેલી બે મેચમાં ટીમને હાર મળી હોય.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સની 44 રનથી હાર થઈ. આ પછી, કોલકાતા નાઈટ રાઈડર્સે સામે રાજસ્થાન રોયલ્સ 8 વિકેટથી હારી ગઈ.
અત્યાર સુધીમાં રિયાન પરાગે IPLમાં કુલ 71 મેચ રમી છે. જેમાં તેણે 24.04 ની એવરેજથી 1,202 રન બનાવ્યા છે. રીયાને 6 ફિફ્ટી ફટકારી છે.
23 વર્ષીય રિયાન પરાગ આસામના ગુવાહાટીનો વતની છે. તે 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં આસામનો મુખ્ય ખેલાડી રહ્યો છે. 2019માં રાજસ્થાન રોયલ્સે રિયાનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રિયાન IPLમાં ફિફ્ટી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે, તેણે 17 વર્ષ અને 175 દિવસની ઉંમરે IPLમાં ફિફ્ટી ફટકારી હતી.
આ પણ વાંચો:વિરાટ કોહલી CSK ના બોલર્સ પર ભારે પડશે? CSK સામે વિરાટનું શાનદાર પ્રદર્શન