IPL 2025ટોપ ન્યૂઝસ્પોર્ટસ

KKR vs RR: ડિકૉક સદી ચૂક્યો, પણ કોલકાતાને જીતવાની શરૂઆત કરાવી આપી

રિયાન પરાગના સુકાનમાં રાજસ્થાનની સતત બીજી હાર

ગુવાહાટીઃ આઇપીએલ (IPL 2025)માં અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રાજસ્થાન રૉયલ્સ (RR)ને 151/9 રન સુધી સીમિત રાખ્યા બાદ એને (153/2ના સ્કોર સાથે) આઠ વિકેટથી હરાવીને આ વખતની ટૂર્નામેન્ટમાં જીતવાની શરૂઆત કરી હતી. રિયાન પરાગના સુકાનમાં આરઆરે આપેલો 152 રનનો લક્ષ્યાંક અજિંક્ય રહાણેની ટીમે 17.3 ઓવરમાં (15 બૉલ બાકી રાખીને) બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. ક્વિન્ટન ડિકૉક (97 અણનમ, 61 બૉલ, છ સિક્સર, આઠ ફોર) આ મૅચનો સુપરસ્ટાર અને મૅચવિનર હતો. તેને (Quinton de kock) છેક સુધી અંગક્રિશ રઘુવંશી (બાવીસ અણનમ, 17 બૉલ, બે ફોર)નો સારો સાથ મળ્યો હતો.

રાજસ્થાન સતત બીજી મૅચ હારી ગયું છે. હજી એક મૅચ બાદ સંજુ સૅમસન આ ટીમનું સુકાન સંભાળશે.
કોલકાતાનો કૅપ્ટન રહાણે (Ajinkya Rahane) 18 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર મોઇન અલી ફક્ત પાંચ રન બનાવીને રનઆઉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. રહાણેની વિકેટ વનિન્દુ હસરંગાએ લીધી હતી. રાજસ્થાનના બાકીના છમાંથી એક પણ બોલરને વિકેટ નહોતી મળી. વિકેટ વિનાના બોલર્સમાં રિયાન, જોફ્રા, થીકશાના, સંદીપ શર્મા, નીતિશ રાણા અને તુષાર દેશપાંડેનો સમાવેશ હતો.

એ પહેલાં, કેકેઆરના બોલર્સે સતતપણે દમદાર પર્ફોર્મ કરીને આરઆરની ટીમને 151/9ના સાધારણ સ્કોર સુધી મર્યાદિત રાખી હતી. એક પણ બૅટર 35 રન પણ નહોતો બનાવી શક્યો. ધ્રુવ જુરેલના 33 રન ટીમમાં હાઇએસ્ટ હતા.

રહાણેના સમજદારીભર્યા નિર્ણયોને લીધે કોલકાતાના પાંચેય બોલર વિકેટ લેવામાં સફળ થયા હતા. નાદુરસ્ત સુનીલ નારાયણના સ્થાને રમાડવામાં આવેલા મોઇન અલીએ તેમ જ વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ બે-બે વિકેટ અને મુખ્ય બોલર સ્પેન્સર જૉન્સને એક વિકેટ લીધી હતી.

રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલ ફરી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો. તેણે 24 બૉલમાં 29 રન કર્યા હતા. મુખ્ય કૅપ્ટન સંજુ સૅમસન 13 રન અને કાર્યવાહક સુકાની રિયાન પરાગ પચીસ રન બનાવીને પૅવિલિયન ભેગો થઈ ગયો હતો. નીતિશ રાણા (આઠ રન) ફરી એક વાર નિષ્ફળ ગયો અને વનિન્દુ હસરંગા (ચાર રન) પણ ટીમને મોટો ફાળો આપવામાં નિષ્ફળ ગયો હતો. ટૂંકમાં, આરઆરના બૅટર્સનો કેકેઆરના બોલર્સ સામે કોઈ જ જવાબ નહોતો અને એટલે જ આરઆરની ટીમમાં એક પણ હાફ સેન્ચુરી ન જોવા મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button