IPL 2025

હૈદરાબાદે બૅટિંગ મળતાં જ શરૂ કરી દીધી ફટકાબાજી

હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)ની અહીં આજે બીજી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક કૅપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી, પણ તેનો નિર્ણય થોડો ભૂલભરેલો લાગ્યો, કારણકે 2024ની સીઝનથી હાર્ડ-હિટિંગ માટે પંકાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમના બૅટર્સે પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળતાં જ પરચો બતાવવાનો શરૂ કરી દીધો હતો.

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફઝલહક ફારુકીને રિયાન પરાગે પ્રથમ ઓવર આપી હતી જેમાં પહેલા બે ડૉટ-બૉલ રહ્યા બાદ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ બે બૉલમાં બે ચોક્કા ફટકારી દીધા હતા. એ પહેલી ઓવરમાં કુલ 10 રન બન્યા હતા અને પછીની ઓવરમાં ટ્રેવિસ હેડે (TRAVIS HEAD) માહીશ થીકશાનાની ખબર લઈ નાખી હતી.

આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…

હેડે તેના બે બૉલમાં 10 રન બનાવ્યા હતા અને આખી ઓવરમાં 14 રન બન્યા હતા. પછીની ઓવર ફારુકીની હતી જેમાં અભિષેકે હેટ-ટ્રિક ફોર ફટકારી હતી અને હેડે છઠ્ઠા બૉલમાં સિક્સર ફટકારી દેતાં એ ઓવરને કુલ 21 રન બન્યા હતા.

ચોથી ઓવરમાં થીકશાનાએ અભિષેકને કવર પૉઇન્ટમાં યશસ્વી જયસ્વાલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો, પરંતુ હેડને ઇશાન કિશનનો સારો સાથ મળ્યો હતો અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં હૈદરાબાદે સાતમી ઓવરમાં એક વિકેટના ભોગે 100 રનનો આંક પાર કર્યો હતો.

અભિષેક શર્મા 11 બૉલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.

આપણ વાંચો: શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ

રાજસ્થાને આ મૅચમાં વિદેશી ખેલાડી તરીકે થીકશાના તથા ફારુકી ઉપરાંત શિમરૉન હેટમાયર અને જોફ્રા આર્ચરને લીધા છે. હૈદરાબાદની ટીમમાં વિદેશી ખેલાડીઓમાં ટ્રેવિસ હેડ ઉપરાંત વિકેટકીપર હિન્રિક ક્લાસેન તથા કૅપ્ટન પૅટ કમિન્સનો સમાવેશ છે.

રાજસ્થાને 2008ની સૌપ્રથમ આઇપીએલ જીતી લીધી હતી, જ્યારે હૈદરાબાદની ટીમ 2016માં ચૅમ્પિયન બન્યા બાદ 2024માં રનર-અપ બનીને વધુ એક ટાઇટલની લગોલગ રહી હતી.

શનિવારે પ્રથમ મૅચમાં આરસીબીએ કેકેઆરની ટીમને સાત વિકેટે હરાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button