14 વર્ષના સૂર્યવંશીએ 14મી મૅચને ચાર ચાંદ લગાવ્યા
રાજસ્થાને ચેન્નઈ સામે જીતીને તળિયે રહેવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકેલી રાજસ્થાન (RR)ની ટીમે અહીં પોતાની 14મી અને અંતિમ લીગ મૅચમાં ચેન્નઈ (CSK)ને 17 બૉલ બાકી રાખીને છ વિકેટથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં (કુલ આઠ પૉઇન્ટ મેળવીને) સાવ તળિયે જવાનું ટાળ્યું હતું. રાજસ્થાને 188 રનનો લક્ષ્યાંક 17.1 ઓવરમાં ચાર વિકેટના ભોગે 188/4ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
14 વર્ષના વૈભવ સૂર્યવંશી (57 રન, 33 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)એ યશસ્વી (36 રન, 19 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે 37 રનની અને પછી કૅપ્ટન સૅમસન (41 રન, 31 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સાથે 98 રનની શાનદાર ભાગીદારી કરી હતી. જોકે આર. અશ્વિને સૅમસન અને વૈભવ (VAIBHAV SURYAVANSHI), બન્નેની વિકેટ લીધી હતી. છેલ્લી પળોમાં ધ્રુવ જુરેલ (31 અણનમ, 12 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને હેટમાયર (12 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર)ની જોડીએ કુલ પાંચ બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 23 રન ખડકીને રાજસ્થાનને વહેલી જીત અપાવી હતી. અશ્વિને બે તેમ જ કંબોજ અને નૂર અહમદે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ચેન્નઈએ બૅટિંગ મળ્યા બાદ 12 રનમાં કૉન્વે અને ઉર્વિલ પટેલની વિકેટ ગુમાવ્યા પછી થોડી સાધારણ ભાગીદારીઓની મદદથી છેવટે 20 ઓવરને અંતે 187/8નો સ્કોર નોંધાવ્યો હતો.
ચેન્નઈના આયુષ મ્હાત્રે (43 રન), ડેવાલ્ડ બે્રવિસ (42 રન) અને શિવમ દુબે (39 રન) હાફ સેન્ચુરી ચૂકી ગયા હતા. રાજસ્થાન વતી રમતા જમ્મુના પેસ બોલર યુધવીર સિંહે 47 રનમાં ત્રણ વિકેટ તથા ઉત્તરાખંડના રુડકીના આકાશ મઢવાલે 29 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે (જે અગાઉ ચેન્નઈની ટીમમાં હતો તેણે) તેમ જ વનિન્દુ હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી.