રોમારિયો શેફર્ડ: ટી-20 ક્રિકેટનો સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર
મેં દરેક બૉલ પર બાઉન્ડરી ફટકારવાનું નક્કી કર્યું હતું: શેફર્ડ

બેંગ્લૂરુ: ટી-20 ક્રિકેટમાં અનેક હાર્ડ-હિટર્સ થઈ ગયા અને અસંખ્ય પિંચ-હિટર્સ હાલમાં રમી રહ્યા છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલરુ (RCB)નો બૅટ્સમૅન રોમારિયો શેફર્ડ એ બધામાં સાવ જુદો છે. ટી-20 ક્રિકેટમાં તે સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર ગણાય છે અને એનો પુરાવો શનિવારે જોવા મળી ગયો હતો.
રાઈટ-હૅન્ડ બૅટ્સમૅન શેફર્ડે (ROMARIO SHEPHERD) શનિવારે ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) સામેની મૅચમાં 14 બૉલમાં છ સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 53 રન કર્યા હતા અને બેંગ્લૂરુને 200-પ્લસનો સ્કોર અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એ પહેલાં, વિરાટ કોહલીએ 62 રન અને ઓપનર જેકબ બેથેલે 55 રન કર્યા હતા. બેંગ્લૂરુના 213/5ના જવાબમાં 17 વર્ષીય ઓપનર આયુષ મ્હાત્રે (94 રન, 48 બૉલ, પાંચ સિક્સર, 9 ફોર)ના તેમ જ રવીન્દ્ર જાડેજા (77 અણનમ, 45 બૉલ, બે સિક્સર, 8 ફોર)ના અસાધારણ યોગદાનો છતાં ચેન્નઈની ટીમ 211/5ના સ્કોર સાથે ફક્ત બે રનના તફાવતથી હારી ગઈ હતી.
સેકન્ડ-ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન:
શેફર્ડ આઈપીએલમાં ફક્ત 14 બૉલમાં 50 રન પૂરા કરનાર સેકન્ડ-ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન બન્યો છે. યશસ્વી જયસ્વાલ (13 બૉલમાં 50 રન)ના નામે ફાસ્ટેસ્ટ ફિફટીનો વિક્રમ છે.

ખલીલની ઓવરમાં 32 રન ફટકાર્યા:
ભારતીય પેસ બોલર અને ચેન્નઈના ખેલાડી ખલીલ અહમદની શનિવારે એક ઓવરમાં 33 રન બન્યા હતા જેમાંથી 32 રન શેફર્ડે (6, 6, 4, 6, 6, 4) ફટકાર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ વતી 90 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા શેફર્ડને શનિવારે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
તેને છેલ્લા 14 બૉલ રમવા મળ્યા હતા અને એ 14 બૉલમાં તેણે 53 રન ફટકારી દીધા હતા. 53માંથી 52 રન તેણે સિક્સર અને ફોરની મદદથી કર્યા હતા અને એક રન દોડીને લીધો હતો.
શેફર્ડે શનિવારે પુરસ્કાર સ્વીકાર્યા પછી કહ્યું હતું કે ‘ જેવો બૉલ એવો શૉટ. બસ, જ મારો અભિગમ હોય છે. (ચેન્નઈ સામેની) આ મૅચમાં હું દરેક બૉલ પર બાઉન્ડરી (સિક્સર કે ફોર) ફટકારવા વિચારતો હતો. એ જ મારો પ્લાન હતો. કોઈપણ પ્રકારના બૉલનો સામનો કરવા માટે પહેલેથી જ મનોમન તૈયારી કરી લેતો હતો અને પછી જોરદાર ફટકો મારી દેતો હતો.’
ગયા વર્ષે મુંબઈને વિજય અપાવેલો:
શેફર્ડની શનિવારની મૅચ અગાઉની ત્રણેય મૅચમાં બૅટિંગ જ નહોતી આવી. એ પહેલાં તે ગયા વર્ષની આઇપીએલ (IPL)માં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો. ત્યારે છેલ્લી મૅચ તે દિલ્હી કેપિટલ્સ વતી રમ્યો હતો અને એમાં તેને ફક્ત 10 બૉલ રમવા મળ્યા હતા. એ 10 બૉલમાં તેણે કુલ સાત બાઉન્ડરીની મદદથી અણનમ 39 કરીને મુંબઈને જિતાડ્યું હતું.
અબુધાબીની ટી-20 લીગમાં તે એમઆઈ એમિરેટ્સ ટીમ વતી રમે છે. આ વર્ષમાં જાન્યુઆરીમાં તેને એક મૅચમાં ફક્ત 13 બૉલ રમવા મળ્યા હતા અને એમાં તેણે કુલ સાત બાઉન્ડરીની મદદથી અણનમ 38 રન કર્યા હતા. એ મૅચ એમઆઈ એમિરેટસે જીતી લીધી હતી.
ટૂંકમાં કહીએ તો ટીમની ઇનિંગ્સના અંતિમ તબક્કામાં રમવા મળતા 13 થી 15 બૉલમાં જબરદસ્ત ફટકાબાજી કરવા માટે શેફર્ડ પ્રખ્યાત છે.
આવી 20 ઇનિંગ્સમાં તેનો સ્ટ્રાઈક-રેટ (દર 100 બૉલ દીઠ રન) 200.00 જેટલો રહ્યો છે. શનિવારની મેચમાં તેનો સ્ટ્રાઈક-રેટ 378. 57 હતો.
બોલર ખલીલની બૉડી લેન્ગવેજ પારખી લીધી:
શેફર્ડે શનિવારની મૅચમાં 19મી (ખલીલ અહમદની) ઓવરના પહેલા બન્ને બૉલમાં સિક્સર ફટકારી હતી. શેફર્ડે મૅચ બાદ કહ્યું હતું કે ‘ ખલીલના પ્રથમ બે બૉલમાં સિક્સર ફટકાર્યા બાદ મેં તેની બૉડી લેંગ્વેજ જાણી લીધી. મેં જોયું કે તે ખૂબ પ્રેશરમાં આવી ગયો છે. એટલે મેં તેને વધુને વધુ પ્રેશરમાં લાવવા હિટિંગ ચાલુ રાખ્યું હતું. સાચું કહું તો હું મેદાન પર ઊતર્યો ત્યારે જ મેં વિચાર્યું હતું કે તેઓ (ચેન્નઈના બોલર્સ) મને કેવા પ્રકારના બૉલ ફેંકશે. એટલે મેં પણ મારો પ્લાન પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો.’
આ પણ વાંચો: એક પણ ઝીરો વગર કર્યા 2,000 રનઃ આ અનોખો વિશ્વવિક્રમ ભારતના આ ક્રિકેટરના નામે લખાયો