રિષભ પંતની ટીમને આવતી કાલે હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામે મોટો ખતરો…

હૈદરાબાદઃ આઇપીએલ (IPL 2025)માં ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ 27 કરોડ રૂપિયાની કિંમતે ખરીદવામાં આવેલા લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના રિષભ પંતે કૅપ્ટન, બૅટર અને વિકેટકીપર તરીકે ચાર દિવસ પહેલાં જે ભૂલો કરી એનું આવતી કાલે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં હૈદરાબાદમાં પુનરાવર્તન કરશે તો આ વખતે તો તેની ટીમ મોટા માર્જિનથી પટકાશે એમાં શંકા નથી, કારણકે આ મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના હોમ-ગ્રાઉન્ડમાં જ રમાવાની છે અને સનરાઇઝર્સ પાસે એવા બૅટર્સ છે જે ટીમ-ટોટલનો નવો વિક્રમ રચી શકે એવી તાકાત ધરાવે છે.
રવિવારે હૈદરાબાદમાં જ ગયા વર્ષના રનર-અપ સનરાઇઝર્સના બૅટર્સ ટીમ-સ્કોરનો નવો વિક્રમ બનાવતાં બે રન માટે ચૂકી ગયા હતા. તેમણે 20 ઓવરમાં છ વિકેટે 286 રન બનાવ્યા હતા અને આઇપીએલનો 287 રનનો રેકૉર્ડ નહોતા તોડી શક્યા. જો તેમણે બીજા બે રન બનાવ્યા હોત તો પોતે જ 2004માં રચેલો 287 રનનો વિક્રમ તૂટી ગયો હોત. રવિવારે હૈદરાબાદે રાજસ્થાન સામે 286 રન ખડકી દીધા બાદ 44 રનથી વિજય મેળવ્યો અને બીજા દિવસે (સોમવારે) લખનઊની દિલ્હી કૅપિટલ્સ સામે ફક્ત એક વિકેટથી હાર થઈ હતી.
દિલ્હી સામેની એ મૅચમાં ખુદ રિષભ પંત ઝીરોમાં આઉટ થયો હતો, કૅપ્ટન તરીકે તેણે બોલિંગમાં કેટલાક ખોટા નિર્ણયો લીધા હતા અને મૅચની અંતિમ પળોમાં તેણે 11મા ક્રમના બૅટર દિલ્હીના મોહિત શર્માને સ્ટમ્પ-આઉટ કરવાનો સોનેરી મોકો ગુમાવ્યો હતો. પંતે 19મી ઓવર નવા પેસ બોલર પ્રિન્સ યાદવને આપી હતી જેમાં આશુતોષ શર્મા અને કુલદીપ યાદવે કુલ 16 રન બનાવીને દિલ્હીને વિજયની વધુ નજીક લાવી દીધું હતું. પંતે મુખ્ય પેસ બોલર શાર્દુલ ઠાકુરને ફક્ત બે ઓવર આપી હતી જેમાં તેણે બે વિકેટ લીધી હતી. પંતે 20મી ઓવર માટે સ્પિનર શાહબાઝ અહમદને પસંદ કર્યો હતો જેમાં આશુતોષ-મોહિતે સાત રન બનાવીને દિલ્હીને દિલધડક વિજય અપાવ્યો હતો.
આ પણ વાંચો : શ્રેયસનું પ્રથમ સેન્ચુરીનું બલિદાન, મેક્સવેલના શૂન્યનો રેકોર્ડ
પૅટ કમિન્સની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની બૅટિંગ લાઇન-અપ ગયા વર્ષથી સૌથી મજબૂત બની જ ગઈ હતી અને એમાં આ વખતે ઇશાન કિશનનો ઉમેરો થયો છે જેણે રવિવારે રાજસ્થાન સામે 47 બૉલમાં છ સિક્સર અને અગિયાર ફોરની મદદથી અણનમ 106 રન બનાવ્યા હતા. પંતને આવતી કાલે ક્યારે કોને બોલિંગ આપવી એમાં નજીવી ભૂલ પણ ભારે પડી શકે, કારણકે આ વખતે પહેલી પાંચ મૅચમાં કુલ 119 સિક્સર ફટકારવામાં આવી છે જે નવા વિક્રમના રૂપમાં આઇપીએલના ચોપડે નોંધાઈ જ ગઈ છે.
પંતના સુકાનમાં લખનઊની ટીમ જો આવતી કાલે નવતર અને અસરદાર પ્લાન સાથે રમવા ઊતરશે તો તેમનો વિજય પાક્કો છે. પંત પાસે ડેવિડ મિલર, એઈડન માર્કરમ, નિકોલસ પૂરન, મિચલ માર્શ જેવા બૅટર્સ છે જેઓ મોટો ટાર્ગેટ અપાવી શકશે.