ડૅડી પૉન્ટિંગ બની ગયા બોલર અને દીકરાએ કરી ફટકાબાજી…

લખનઊઃ મંગળવારે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાનારી મૅચ માટે અહીં ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS)ના ખેલાડીઓએ તો પ્રૅક્ટિસ કરી જ છે, મેદાન પર તેમની નજીકમાં હેડ-કોચ રિકી પૉન્ટિંગે પણ નેટમાં થોડી પ્રૅક્ટિસ કરી છે. તમને થયું હશે કે હેડ-કોચે તો ટીમ સાથે પ્રૅક્ટિસમાં હિસ્સો લેવાનો જ હોયને! જોકે અહીં વાત મુખ્ય ખેલાડીઓની પ્રૅક્ટિસ (Practice)ની નથી. પૉન્ટિંગે તેના ટાબરિયા સાથે મેદાન પર થોડો સમય વીતાવ્યો હતો.
ક્રિકેટ જગતમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં સ્થાન ધરાવતા પૉન્ટિંગે તેના પુત્ર ફ્લેચર વિલિયમ પૉન્ટિંગ સાથે આ પ્રૅક્ટિસ કરી હતી. રિકી પૉન્ટિંગે (Ricky Ponting) બોલિંગ કરી હતી અને તેના કેટલાક બૉલમાં પુત્ર ફ્લેચરે સારા શૉટ માર્યા હતા. અમુક બૉલમાં ફ્લેચરે ડિફેન્સિવ શૉટ માર્યા હતા.
ફ્લેચર તેના પિતાની જેમ જ બૅટિંગ કરતો જોવા મળ્યો હતો.
પંજાબના ફ્રૅન્ચાઇઝીએ એક્સ’ પર પોતાના સત્તાવાર અકાઉન્ટ પર પૉન્ટિંગ સિનિયર અને પૉન્ટિંગ જુનિયરની આક્રિકેટ મૅચ’ની ઘટનાને પોસ્ટ કરી હતી. પિતા-પુત્રએ આ ક્રિકેટ ગેમ દરમ્યાન હૅન્ડ ફિસ્ટ સાથે આ ગેમ પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 પછી મોટા ભાગના લોકો (ખાસ કરીને ખેલાડીઓ) એકમેક સાથે હાથ મિલાવવાનું ટાળીને હૅન્ડ ફિસ્ટથી એકબીજાને અભિનંદન આપે છે.
આપણ વાંચો : આ ભારતીય ક્રિકેટર દર્દીઓની વહારે, 35 લાખ રૂપિયાના તબીબી સાધનો ડૉનેટ કર્યા…
ફ્લેચર પૉન્ટિંગને ભારત ખૂબ ગમ્યું છે. તે પિતાની સાથે દરેક સ્થળે જાય છે. ગયા વર્ષે ખેલાડીઓની હરાજી પહેલાં રિકી પૉન્ટિંગની પંજાબના હેડ-કોચ તરીકે નિયુક્તિ થઈ હતી. એ સાથે, આ ફ્રૅન્ચાઇઝીએ શ્રેયસ ઐયરને હરાજીમાં 26.75 કરોડ રૂપિયામાં ખરીદીને તેને કૅપ્ટન્સીની જવાબદારી સોંપી હતી.