IPL 2025

કોલકાતામાં આરસીબીનું રાજ, કૃણાલ-કોહલીએ અપાવ્યો વિજય

કોલકાતાઃ આઇપીએલની 18મી સીઝનમાં આજે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને સાત વિકેટે હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. આરસીબીએ 175 રનનો લક્ષ્યાંક 16.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે (177/3ના સ્કોર સાથે) મેળવી લીધો હતો.

બોલિંગમાં કૃણાલ પંડ્યા (29 રનમાં ત્રણ વિકેટ) અને બૅટિંગમાં વિરાટ કોહલી (59 અણનમ, 36 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નું આરસીબીને સૌથી મોટું યોગદાન મળ્યું હતું. કોહલીએ ઓપનર ફિલ સૉલ્ટ (56 રન, 31 બૉલ, બે સિક્સર, નવ ફોર) સાથે 51 બૉલમાં 95 રનની ભાગીદારી કરીને લક્ષ્યાંકને આસાન બનાવી દીધો હતો. કોહલીએ ત્યાર બાદ દેવદત્ત પડિક્કલ (10 બૉલમાં 10 રન) સાથે 23 રનની અને કૅપ્ટન રજત પાટીદાર (34 રન, 16 બૉલ, એક સિકસર, પાંચ ફોર) સાથે 44 રનની પાર્ટનરશિપ કરી હતી. લિવિંગસ્ટન પાંચ બૉલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો.

મૅચના આરંભ પહેલાં શાહરુખ ખાનની ઍન્કરશિપમાં યોજાયેલા ઓપનિંગમાં શ્રેયા ગોસલ તેમ જ દિશા પટની અને કરણ ઔજલા તેમ જ બીજા પર્ફોર્મર્સે ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.

એ પહેલાં, કેકેઆરની ટીમે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કર્યા પછી છેવટે 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણે (56 રન, 31 બૉલ, ચાર સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને ઓપનર સુનીલ નારાયણ (44 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી થઈ હતી.
એ પહેલાં, વિકેટકીપર ક્વિન્ટન ડિકૉક ફક્ત ચાર રન બનાવ્યા બાદ જૉશ હૅઝલવૂડના બૉલમાં વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ થયો હતો.

આરસીબી વતી છ બોલરમાં કૃણાલ પંડ્યા (4-0-29-3) સૌથી સફળ હતો. હૅઝલવૂડે બે વિકેટ તેમ જ રસિખ સલામ, યશ દયાલ તથા સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. લિઆમ લિવિંગસ્ટનને વિકેટ નહોતી મળી.

2008ની સૌપ્રથમ આઇપીએલની સૌથી પહેલી મૅચ કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ હતી અને ત્યાર બાદ 18મા વર્ષે ફરી એકવાર આ ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો કેકેઆર-આરસીબી વચ્ચે નિધાર્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

બેન્ગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), વિરાટ કોહલી, લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રસિખ સલામ, સુયશ શર્મા, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ.

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), વેન્કટેશ ઐયર (વાઇસ-કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, રિન્કુ સિંહ, સુનીલ નારાયણ, આન્દ્ર રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને સ્પેન્સર જૉન્સન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button