RCB vs DC: આજે વિરાટ કોહલી આ મામલે રોહિત શર્માને પાછળ છોડી શકે છે

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 24મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. RCB માટે આ સિઝનની શરૂઆત સારી રહી છે, ટીમે અત્યાર સુધી રમેલી 4 મેચમાંથી 3માં જીત મેળવી છે. RCB એ IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર ફક્ત એક જ મેચ રમી હતી, જેમાં ટીમને હાર મળી હતી. આજે RCBની ટીમ આ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી જીત મેળવવા માટે તૈયારીઓ કરી રહી છે.
IPLની આ સિઝનમાં, RCBના લગભગ દરેક બેટર સારું પ્રદર્શન કરી રહ્યા છે. સ્ટાર બેટર વિરાટ કોહલી પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં તે બે ફિફ્ટી ફટકારી ચુક્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે RCBની જીતમાં વિરાટે મુખ્ય ભૂમિકા ભજવી છે. એવામાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચમાં વિરાટ કોહલી પાસે છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડવાની તક છે.
આપણ વાંચો: ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર; ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો સમાવેશ, આટલી ટીમો ભાગ લેશે
રોહિત શર્માએ IPLમાં અત્યાર સુધી 252 ઇનિંગ્સમાં 282 છગ્ગા ફટકાર્યા છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વિરાટ કોહલી રોહિતનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટે 248 ઇનિંગ્સમાં 278 છગ્ગા ફટકાર્યા છે, વધુ 5 છગ્ગા ફટકારીને વિરાટ રોહિતને પાછળ છોડી શકે છે. 2024 સીઝનની શરૂઆતથી, વિરાટ કોહલીએ 44 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત ફક્ત 25 છગ્ગા ફટકારી શક્યો છે. વિરાટે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 છગ્ગા ફટકાર્યા છે.
IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત બીજા સ્થાને છે. આ યાદીમાં પહેલા ક્રમે ક્રિસ ગેલ છે, જેને 357 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે વિરાટ આ યાદીમાં ત્રીજા ક્રમે છે.