પંતના 12 લાખ રૂપિયા કપાયા, પણ રાઠીને હવે `નોટબુક સેલિબ્રેશન’ વધુ મોંઘુ પડ્યું!

લખનઊઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ શુક્રવારે હોમટાઉનમાં આઈપીએલ (IPL 2025)ના દિલધડક મુકાબલામાં રોમાંચક વિજય મેળવ્યો, પણ એના કૅપ્ટન રિષભ પંત (Rishabh pant) અને આક્રમક સ્વભાવના સ્પિનર દિગ્વેશ રાઠી (Digvesh Rathi)ને આર્થિક રીતે નુકસાન જરૂર થયું હતું. પંત એલએસજીનો કૅપ્ટન હોવા બદલ તેને સ્લો ઓવર-રેટના નિયમનો ભંગ થવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો તેમ જ રાઠીએ ફરી એકવાર હરીફ ટીમના બૅટ્સમૅન સાથે ગેરવર્તન કર્યું એ બદલ તેની 50 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી હતી.
દરેક ટીમે નિર્ધારિત 20 ઓવર 90 મિનિટમાં પૂરી કરાવવી પડે છે. એમઆઇની 19મી ઓવર પૂરી થઈ ત્યારે 90 મિનિટનો સમય પૂરો થઈ ગયો હોવાથી એસએસજીની ટીમના નામે સ્લો ઓવર-રેટનો ઉલ્લંઘન લખાઈ ગયું હતું. પરિણામે, પંતની ટીમે 30 યાર્ડના સર્કલની બહાર એક ઓછો ફીલ્ડર રાખવો પડ્યો હતો.
એલએસજીથી સ્લો ઓવર-રેટનો આ પહેલો જ ભંગ હતો એટલે એના સુકાની પંતને ઓછામાં ઓછો (12 લાખ રૂપિયાનો) દંડ કરાયો હતો.
આ પણ વાંચો: રિષભ પંત ચોથી વાર પણ ફ્લૉપ, કૅપ્ટને જ કૅપ્ટનની વિકેટ લીધી
દરમ્યાન, એલએસજીના સ્પિનર દિગ્વેશ રાઠીને વિકેટ લીધા પછી હરીફ ટીમના બૅટ્સમૅનને `નોટબુક સેલિબ્રેશન’થી સેન્ડ-ઑફ આપવાની આદત પડી છે. તેણે પહેલી એપ્રિલે પંજાબ કિંગ્સની મૅચમાં આવું કર્યું હતું. ત્યારે પંજાબના ઓપનર પ્રિયાંશ આર્યની વિકેટ લીધા પછી તેની પાસે તે દોડી ગયો હતો અને નોટબુકમાં તેની વિકેટ લખી લીધી હોવાનો સંકેત આપતી ઍક્શન કરી હતી. એ કસૂર બદલ રાઠીની પચીસ ટકા મૅચ ફી કપાઈ ગઈ હતી. જોકે શુક્રવારે રાઠીની પચાસ ટકા ફી કપાઈ ગઈ હતી.
શુક્રવારે રાઠીએ એમઆઇના નમન ધીર સાથે એવું કર્યું હતું. નમન ધીરે 24 બૉલમાં ત્રણ સિક્સર, ચાર ફોરની મદદથી 46 રન કર્યા હતા. રાઠીએ તેને ક્લીન બોલ્ડ કર્યો અને તરત તેની તરફ દોડ્યો અને નોટબુક સેલિબ્રેશનથી તેને સેન્ડ-ઑફ આપી હતી. રાઠીની આ બીજી કસૂર હોવાથી તેની 50 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી હતી. તેના નામે હવે બે ડીમેરિટ પૉઇન્ટ થયા છે.