IPL 2025: સંજુ સેમસન ટીમમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને કેપ્ટન બનાવ્યો; જાણો શું છે કારણ…

મુંબઈ: શનિવારથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન શરુ થવા જઈ રહી છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ(RR) ટીમ પહેલી મેચ 23મી માર્ચ, રવિવારના રોજ સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH) સામે રમશે. એ પહેલા RRએ એક મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાન ટીમે કેપ્ટન બદલવાની જાહેરાત કરી છે. IPL 2025માં RRની પહેલી ત્રણ મેચમાં રિયાન પરાગ(Riyan Parag) ટીમની કેપ્ટનશીપ કરશે.
આ પણ વાંચો: આઇપીએલ નજીક આવી ગઈ…બૅટિંગ-બોલિંગના ટૉપર્સ પર એક નજર કરી લઈએ…
ટીમનો કાયમી કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) ફક્ત એક બેટર તરીકે ટીમમાં હશે, તેને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવશે. સંજુ સેમસન આંગળીમાં થયેલી ઈજામાં હજુ સપૂર્ણ રીતે સ્વસ્થ થઇ શક્યો નથી, તેને હજુ સુધી વિકેટકીપિંગ માટે મંજૂરી મળી નથી. ઇંગ્લેન્ડ સામેની T20 મેચમાં જોફ્રા આર્ચરના બોલથી સંજુની આંગળીમાં ઈજા થઇ હતી. આ પછી તેનું એક નાનું ઓપરેશન થયું હતું.

સંજુ વિકેટકીપિંગ માટે ફીટ નહીં:
BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સના સ્પોર્ટ્સ સાયન્સ ટીમે સંજુ સેમસનને બેટિંગ માટે ફિટ જાહેર કર્યો છે. જોકે, વિકેટકીપિંગ ફરી શરૂ કરતા પહેલા તેને વધુ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં RRને કેપ્ટન બદલવાની જરૂર પડી છે, 23 વર્ષીય રિયાન પરાગ ટીમની કમાન સંભાળશે. આ સાથે, તે IPLના ઈતિહાસમાં વિરાટ કોહલી પછી બીજો યુવા કેપ્ટન બનશે.
RRની અનૌપચારિક ટીમ ચેટ દરમિયાન સંજુ સેમસને રિયાન પરાગની કેપ્ટનશીપ અંગે જાહેરાત કરી હતી. તેનો વીડિયો રાજસ્થાન રોયલ્સના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ટીમને સંબોધતા સંજુ સેમસને કહ્યું, ‘હું હજુ આગામી ત્રણ મેચ માટે સંપૂર્ણપણે ફિટ નથી. રિયાન આગામી ત્રણ મેચ માટે ટીમની આગેવાની કરશે. મને આશા છે કે બધા તેને સમર્થન આપશે અને તેની સાથે ઉભા રહેશે.
આ પણ વાંચો: Hardik Pandyaએ એવું તે શું કર્યું કે ફેન્સ તેના પર થયા ગુસ્સે? વાઈરલ થયો વીડિયો…
RRની પહેલી ત્રણ મેચ:
રિયાન પરાગ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, 26 માર્ચે KKR સામે અને 30 માર્ચે CSK સામે RR ટીમનું નેતૃત્વ કરશે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં સુધી તેને ફિલ્ડિંગ અને વિકેટકીપિંગ માટે મંજૂરી ન મળે ત્યાં સુધી તે ટીમમાં બેટર તરીકે જ ભૂમિકા નિભાવતો રહેશે. તે સંપૂર્ણ રીતે ફિટ થયા પછી જ કેપ્ટનશીપ સંભાળશે.