IPL 2025

બેંગલૂરુમાં મેઘરાજાએ આઇપીએલનો પુન: આરંભ વિલંબમાં મૂક્યો

બેંગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચનો વરસાદ (RAIN)ને કારણે સમયસર આરંભ નથી થઈ શક્યો.

ગઈ કાલથી ખૂબ વરસાદ પડવાને કારણે મેદાન અને પિચ ખૂબ ભીના હોવાથી અમ્પાયરો અને બન્ને ટીમના સુકાની સાંજે ૭.૦૦ વાગ્યે ટૉસ માટે પણ મેદાન પર નહોતા ઊતર્યા.

આ જ બે ટીમ વચ્ચે અગાઉ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં જે મૅચ રમાઈ હતી ત્યારે પણ વરસાદની આગાહી હતી. જોકે મેઘરાજા નહોતા નડ્યા અને પૂરી ૨૦ ઓવરની મૅચ રાખવામાં આવી હતી.

આપણ વાંચો: આઇપીએલ 2.0 નો આરંભ લગોલગઃ બેંગલૂરુ-કોલકાતાની આવી હોઈ શકે પ્લેઇંગ-ઇલેવન…

બાવીસમી માર્ચે રમાયેલી આઇપીએલ-૨૦૨૫ની એ પ્રથમ મૅચમાં બેંગલૂરુએ કોલકાતાને બાવીસ બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવ્યું હતું.

કૅપ્ટન અજિંક્ય રહાણે (૫૬ રન)ની હાફ સેન્ચુરીની મદદથી કોલકાતાએ આઠ વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં બેંગલૂરુએ ઓપનર ફિલ સૉલ્ટના ૫૬ રન અને વિરાટ કોહલીના અણનમ ૫૯ રનની મદદથી ૧૬.૨ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૭૭ રન બનાવીને વિજયી આરંભ કર્યો હતો.

૨૯ રનમાં કોલકાતાની ત્રણ વિકેટ લેનાર સ્પિનર કૃણાલ પંડ્યાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button