
બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મૅચ રમાવાની હતી, પરંતુ વરસાદ (RAIN) પડવાને કારણે 7.00 વાગ્યે ટૉસ (TOSS) પણ નહોતો ઉછાળવામાં આવ્યો. ઝરઝર વરસાદ પડયો હોવાથી અને બંધ થયા પછી ફરી શરૂ થયો હોવાથી મૅચ-રેફરી સાથે મળીને અમ્પાયર્સ આ મૅચ ક્યારે શરૂ કરી શકાય એની યોજના વિચારી રહ્યા છે. રાત્રે 8.00 વાગ્યે વરસાદનું જોર વધી ગયું હતું.
ટીવી બ્રૉડકાસ્ટ દરમ્યાન જાહેર કરવામાં આવ્યું હતું કે ટૉસ માટે રાત્રે 10.41 વાગ્યાનો સમય નક્કી કરાયો છે અને એ રીતે રાત્રે 10.56 વાગ્યે મૅચ શરૂ કરી શકાશે.
આપણ વાંચો: દિનેશ કાર્તિકે કહ્યું, `બેંગલૂરુમાં અમારી આરસીબીએ માગ્યું શું ને મળ્યું શું…’
જોકે કેટલી ઓવર રાખવામાં આવશે એ હજી નક્કી નહોતું કરાયું.
આઈપીએલ (IPL-2025)ની આ સીઝનમાં આરસીબીની ટીમ છમાંથી ચાર જીતીને આઠ પૉઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. પંજાબની ટીમ પણ છમાંથી ચાર મૅચ જીતીને આઠ પૉઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે 17 વર્ષ પહેલાં (બરાબર આ જ દિવસે, 2008ની 18મી એપ્રિલે) બેંગલૂરુના આ જ મેદાન પર આરસીબી અને કેકેઆર વચ્ચે આઇપીએલની પ્રારંભિક મૅચ રમાઈ હતી જેમાં કેકેઆરના ઓપનર બે્રન્ડન મૅક્લમે 73 બૉલમાં 13 સિક્સર અને 10 ફોરની મદદથી અણનમ 158 રન કર્યા હતા. કેકેઆરની ટીમે ત્રણ વિકેટે 222 રન કર્યા બાદ આરસીબીની ટીમ કેકેઆરના અજિત આગરકરની ત્રણ વિકેટ તેમ જ સૌરવ ગાંગુલીની બે અને અશોક ડિન્ડાની બે વિકેટને કારણે ફક્ત 82 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને કેકેઆરનો 140 રનથી વિજય થયો હતો.