આજે હૈદરાબાદને ફરી વિજયપથ પર આવવું છેઃ પંજાબ રોકી શકશે?
સાંજે 7.30 વાગ્યે મૅચનો આરંભઃ બન્ને ટીમના ઓપનર પર સૌની નજર

હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ છેલ્લી ચારેય મૅચ હારી છે, જ્યારે પંજાબ કિંગ્સે (PBKS) ચારમાંથી ત્રણ મૅચમાં વિજય મેળવ્યો છે.
અહીં (સાંજે 7.30 વાગ્યાથી) આ બે ટીમ વચ્ચે જે મૅચ રમાશે એ (જો હૈદરાબાદની પ્રથમ બૅટિંગ હશે તો) હાઇ-સ્કોરિંગ બની શકે, કારણકે આક્રમક બૅટ્સમેનો ધરાવતી આ ટીમ આઈપીએલ (IPL-2025)ની આ સીઝનની શરૂઆતમાં જે અભિગમ સાથે રમી હતી એ ફરી અપનાવવા અને એનો અમલ કરવામાં કોઈ કસર નહીં છોડે એવું દૃઢપણે માનવામાં આવે છે.
ગયા મહિને સ્પર્ધાની શરૂઆતમાં (23મી માર્ચે) હૈદરાબાદે રાજસ્થાન સામેની મૅચમાં છ વિકેટે 286 રન કર્યા હતા અને પછી એ મૅચ 44 રનથી જીતી લીધી હતી.
આપણ વાંચો: સનરાઇઝર્સ હૈદરાબાદે ટી-20 મૅચમાં સૌથી વધુ ફોરનો વિશ્વવિક્રમ રચી દીધો
આજે ખરો મુકાબલો ઓપનર્સ વચ્ચેનો બની શકે. હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ (67, 47, 22, 4, 8 રન) આ વખતે એકંદરે સારું નથી રમી શક્યો, જયારે અભિષેક શર્મા (24, 6, 1, 2 અને 18 રન) પણ રનની દૃષ્ટિએ એવી જ કંગાળ હાલતમાં છે. તેઓ ફરી ફૉર્મમાં આવશે તો પંજાબનું આવી બન્યું સમજો.
ઇશાન કિશનનું પણ હેડ-અભિષેક જેવું જ છે. પ્રથમ મૅચની ધમાકેદાર સેન્ચુરી (રાજસ્થાન સામે અણનમ 106) પણ ત્યાર બાદ ઠંડો પડી ગયો છે. તેના છેલ્લી ચાર મૅચના પર્ફોર્મન્સ (0, 2, 2, 17 રન) હેડ-અભિષેકથી પણ ખરાબ છે.
2024ની આઇપીએલમાં સિલસિલાબંધ 200-પ્લસના સ્કોર્સ માટે જાણીતી હૈદરાબાદની ટીમે આ વખતે પ્રથમ મૅચના 286/6ના સ્કોર બાદ નબળી પડી ગઈ અને એ મૅચના વિજય પછી જે ચારેય મૅચમાં પરાજિત થઈ હતી એમાં એના સ્કોર આ મુજબ હતાઃ લખનઊ સામે 190/9, દિલ્હી સામે 163/10, કોલકાતા સામે 120/10 અને ગુજરાત સામે 152/8.
આપણ વાંચો: સનરાઇઝર્સ હૈદરાબાદે છ અને પંજાબ કિંગ્સે પાંચ ખેલાડીઓને કર્યા રીલિઝ
જોકે આજે કાવ્યા મારનની માલિકીની હૈદરાબાદની ટીમને બોલર્સ વિજય અપાવશે તો પછીની મૅચથી એના બૅટ્સમેનો પણ ફરી ફૉર્મમાં આવી શકે. સામા છેડે, પંજાબનો ઓપનર પ્રિયાંશ આર્ય જબરદસ્ત ફૉર્મમાં છે.
પંજાબનો ઓપનર પ્રિયાંશ આર્ય લેટેસ્ટ આઇસીએલ સેન્સેશન તરીકે ઓળખાય છે. આઠમી એપ્રિલે તેણે ચેન્નઈ સામે મૅચ-વિનિંગ સેન્ચુરી (103 રન) ફટકારી હતી અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો.
બન્ને ટીમની સંભવિત ઇલેવન
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્ડુ મેન્ડિસ, ઝીશાન અન્સારી, જયદેવ ઉનડકટ/હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી. 12મો પ્લેયરઃ સિમરજીત સિંહ/રાહુલ ચાહર
પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યેનસેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને લૉકી ફર્ગ્યુસન. 12મો પ્લેયરઃ યશ ઠાકુર