પ્રીતિ ઝિન્ટા Vs વિરાટ કોહલી: કોણ છે વધુ ધનવાન? જાણો IPL અને અન્ય સ્ત્રોતોથી થતી કમાણી

પ્રીતિ ઝિન્ટા વર્ષોથી બોલીવુડથી દૂર છે, પરંતુ તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. પ્રીતિ ટૂંક સમયમાં આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લાહોર 1947’માં જોવા મળશે. આ ઉપરાંત, પ્રીતિની ટીમ પંજાબ કિંગ્સે પણ IPL 2025ના ફિનાલે સુધી પહોંચી છે.
પ્રીતિની ટીમ RCB ટીમ સાથે ફાઇનલમાં સામનો કરશે તેમાં ક્રિકેટ જગતનો બાદશાહ વિરાટ કોહલી છે. વિરાટ કોહલી પણ છેલ્લા દોઢ દાયકાથી ચર્ચામાં છે. એક તરફ પ્રીતિ ઝિન્ટા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે અને ક્રિકેટ સાથે પણ જોડાયેલી છે, તો બીજી તરફ વિરાટ ક્રિકેટની દુનિયાનો બાદશાહ છે અને બોલીવુડ સાથે પણ જોડાયેલો છે. તેની પત્ની અનુષ્કા શર્મા બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી છે.
જ્યારે બંનેમાં આટલી બધી સમાનતાઓ છે તો ચાલો જાણીએ કે બંને IPLમાંથી કેટલી કમાણી કરે છે અને બંનેની કુલ સંપત્તિ કેટલી છે. રિપોર્ટ અનુસાર પ્રીતિ ઝિન્ટાની કુલ સંપત્તિ લગભગ 183 કરોડ રૂપિયા છે જે તેણે પોતાના અભિનય, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ ડીલ્સ તેમજ IPLમાંથી કમાણી દ્વારા મેળવી છે.
પ્રીતિ પોતાની ટીમ પંજાબ કિંગ્સને અન્ય માલિકો કરણ પોલ, નેસ વાડિયા અને મોહિત બર્મન સાથે મળીને ચલાવે છે. મીડિયાના અહેવાલ અનુસાર આ ટીમનું મૂલ્યાંકન લગભગ 1 અબજ ડોલર એટલે કે લગભગ 8559 કરોડ રૂપિયા છે.
તે સ્પોન્સરશિપ, મેચોના પ્રસારણ અને ટિકિટ વેચાણમાંથી કમાણી કરે છે. BCCI IPL ટીમોના માલિકોને મોટો હિસ્સો આપે છે. પ્રીતિ ઝિન્ટા આ ટીમમાં 23 ટકા હિસ્સો ધરાવે છે, જેનો અર્થ એ છે કે તેને પણ કમાણીનો એટલો હિસ્સો મળે છે.
આ પણ વાંચો – આઇપીએલની 18મી ફાઇનલ માટે સિક્કો ઉછળ્યોઃ પંજાબે ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગ
વિરાટ કોહલીની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ લગભગ 1050 કરોડ રૂપિયા છે, જે તેમણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, આઈપીએલ અને ક્રિકેટના અન્ય માધ્યમો માંથી મેળવી છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોંઘો ખેલાડી છે જેને 21 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, તે દરેક ODI મેચ માટે 6 લાખ રૂપિયા લે છે. T-20 અને ટેસ્ટ બંનેમાંથી નિવૃત્તિ લેવાને કારણે તેની કમાણી બંધ થઈ ગઈ છે.
આ ઉપરાંત, વિરાટ તેના અન્ય વ્યવસાયિક રોકાણો જેમ કે રેસ્ટોરામાંથી પણ ઘણી કમાણી કરે છે. વિરાટ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ કરોડોની કમાણી કરે છે. ફક્ત MRF ટાયર્સ સાથે તેની 100 કરોડ રૂપિયાની ડીલ છે.