પડિક્કલ આરસીબી વતી 1,000 રન કરનાર કોહલી પછીનો બીજો ભારતીય ખેલાડી

જયપુરઃ દેવદત્ત પડિક્કલે આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામેની મૅચમાં જે અણનમ 40 રન કર્યા એમાં તેની એક મહત્ત્વની સિદ્ધિ પણ સામેલ હતી. તે આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) વતી 1,000 રન પૂરા કરનાર વિરાટ કોહલી પછીનો બીજો ભારતીય ખેલાડી બન્યો છે.
24 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન પડિક્કલે 28 બૉલમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા અને કોહલી સાથે બીજી વિકેટ માટે 83 રનની અતૂટ ભાગીદારીથી આરસીબીની જીત આસાન બનાવી હતી.

રાજસ્થાને ચાર વિકેટે 173 રન કર્યા બાદ બેંગલૂરુએ એક જ વિકેટના ભોગે 17.3 ઓવરમાં 175 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
આપણ વાંચો: દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?
ટી-20માં 37 નંબરની જર્સી પહેરીને રમતા પડિક્કલ (DEVDUTT PADIKKAL)ને આરસીબી વતી 1,000 રન પૂરા કરવા 37 રનની જરૂર હતી. એ 37મો રન તેણે બેંગલૂરુની ઇનિંગ્સની 18મી ઓવરના ત્રીજા બૉલમાં કર્યો હતો.
આરસીબી વતી સૌથી વધુ રન કરનારાઓમાં પડિક્કલ એકંદરે સાતમો ખેલાડી છે. આ સાત પ્લેયરમાં કોહલી અને પડિક્કલને બાદ કરતા બાકીના પાંચ વિદેશી ખેલાડી છે.
આરસીબી વતી સૌથી વધુ રન કરનાર સાત ખેલાડીની વિગત આ મુજબ છેઃ કોહલી (8,252 રન), એબી ડિવિલિયર્સ (4,491 રન), ક્રિસ ગેઇલ (3,163 રન), ફાફ ડુ પ્લેસી (1,636 રન), મૅક્સવેલ (1,266 રન), જૅક કૅલિસ (1,132 રન), દેવદત્ત પડિક્કલ (1,003 રન).