IPL 2025

`નસીબદાર’ રોહિત સહિતના ટૉપ અને મિડલ-ઑર્ડરની ફટકાબાજી, મુંબઈના 228/5…

ગુજરાતે ગિલની વિકેટના ધબડકા સાથે શરૂઆત કરી

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આઇપીએલના પ્લે-ઑફમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેના એલિમિનેટર (ELIMINATOR) મુકાબલામાં પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન કરીને શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમને 229 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ગુજરાતી કેપ્ટન શુભમન ગિલ (એક રન)ની વિકેટ સાથે ખરાબ શરૂઆત કરી હતી. તેને ટ્રેન્ટ બૉલ્ટે પહેલી જ ઓવરમાં એલબીડબલ્યૂ કર્યો હતો.

રોહિત શર્મા (81 રન, 50 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) બે જીવતદાનની મદદથી મુંબઈની ટીમને સૌથી વધુ યોગદાન આપવામાં સફળ થયો હતો. તેની અને ટીમમાં નવા પ્રવેશેલા ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉની બેરસ્ટૉ (47 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) વચ્ચે ફક્ત 7.2 ઓવરમાં 84 રનની ભાગીદારી થઈ હતી અને એ સાથે તેમણે મુંબઈના સંભવિત વિજય માટેનો પાયો નાખી આપ્યો હતો. જોકે રોહિતને ત્રણ અને 12 રનના સ્કોર પર જીવતદાન મળ્યું હતું. તેનો કૅચ છૂટ્યો હતો.

ગુજરાતના સિરાજની 18મી ઓવરમાં મુંબઈના બૅટ્સમેનો ફક્ત 10 રન અને પ્રસિદ્ધ ક્રિષ્નાની 19મી ઓવરમાં માત્ર આઠ રન કરી શક્યા હતા, પરંતુ 20મી ઓવર જે જેરાલ્ડ કૉએટ્ઝીને અપાઈ હતી એમાં બાવીસ રન બનતાં સિરાજ-ક્રિષ્નાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. કૉએટ્ઝીની છેલ્લી ઓવરમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા (બાવીસ અણનમ, નવ બૉલ, ત્રણ સિક્સર)એ ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

એ પહેલાં, સૂર્યકુમાર યાદવ (33 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નું સાધારણ યોગદાન હતું. મુંબઈના ટોચના તમામ છ બૅટસમેનોએ છગ્ગા ફટકાર્યા હતા અને એમાં તિલક વર્મા (પચીસ રન, 11 બૉલ, ત્રણ સિક્સર) તથા નમન ધીર (નવ રન, છ બૉલ, એક સિક્સર)નો પણ સમાવેશ હતો.

બે `હાફ સેન્ચુરી’ ગુજરાતના બોલર્સના નામે હતી. ક્રિષ્નાને 53 રનમાં બે વિકેટ મળી હતી અને કૉએટ્ઝીને 51 રનમાં વિકેટ નહોતી મળી. સાઇ કિશોરે 42 રનમાં બે તેમ જ સિરાજે 37 રનમાં એક વિકેટ લીધી હતી. આ વખતની સીઝનમાં ફ્લૉપ રહેલા રાશીદ ખાનને 31 રનમાં વિકેટ નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button