મુંબઈ પ્લે-ઑફમાં, દિલ્હી આઉટ
સૂર્યકુમારના 73 રન પછી સૅન્ટનરની 11 રનમાં બુમરાહની 12 રનમાં ત્રણ વિકેટ

મુંબઈઃ અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 180/5)એ દિલ્હી કૅપિટલ્સ (18.2 ઓવરમાં 121/10)ને 59 રનથી હરાવીને આઇપીએલની 18મી સીઝનના પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત, બેંગલૂરુ અને પંજાબ અગાઉ જ પ્લે-ઑફમાં પહોંચી ગયા હતા. દિલ્હીની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે.
વાનખેડેમાં સીઝનની આ છેલ્લી મૅચ હતી. 34,000 પ્રેક્ષકોએ મુંબઈની ટીમને વિજયી ગુડ બાય કરી હતી.
એક સમયે ઉપરાઉપરી છ મૅચ જીતીને જબરદસ્ત કમબૅક કરનાર મુંબઈના બોલર્સમાં કમબૅકમૅન મિચલ સૅન્ટનરે માત્ર 11 રનમાં ત્રણ વિકેટ તથા બુમરાહે 12 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બૉલ્ટ, ચાહર, જૅક્સ, કર્ણ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
સમીર રિઝવી દિલ્હીનો ટૉપ-સ્કોરર હતો. તેણે 35 બૉલમાં 39 રન કર્યા હતા. રાહુલ (11), ડુ પ્લેસી (6) અને સ્ટબ્સ (2) સહિત બધા બૅટ્સમેન સારું રમવામાં નિષ્ફળ ગયા હતા.
એ પહેલાં, મુંબઈની ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવ (73 અણનમ, 43 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) સુપરસ્ટાર હતો. તેની અને નમન ધીર (24 અણનમ, 8 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે માત્ર 21 બૉલમાં 57 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
મુંબઈની ઇનિંગ્સમાં 19મી ઓવર દિલ્હીના સૌથી સફળ બોલર મુકેશકુમારે કરી હતી જેમાં 27 રન બન્યા હતા. એમાં સૂર્યકુમાર યાદવે એક સિક્સર ફટકારી હતી જ્યારે નમન ધીરે બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર પછી 20મી ઓવર શ્રીલંકાના દુશ્મન્થા ચમીરાએ કરી હતી જેમાં 21 રન બન્યા હતા. છેલ્લી બે ઓવરમાં સૂર્યકૂમાર અને નમન ધીરે મળીને કુલ 48 રન બનાવ્યા હતા.
એ અગાઉ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા (27 રન, 27 બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 49 બૉલમાં પંચાવન રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. તિલકની વિકેટ પણ મુકેશ કુમારે લીધી હતી.

દિલ્હીના બોલર્સમાં મુકેશકુમારે બે તેમ જ ચમીરા, કુલદીપ અને નિગમે એક-એક વિકેટ લીધી હતી. ચાર બોલરની બોલિંગમાં 25થી વધુ રન બન્યા હતા.
એ પહેલાં દિલ્હીના કાર્યવાહક સુકાની ફાફ ડુ પ્લેસીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. મુખ્ય સુકાની અક્ષર પટેલને ફ્લૂ થયો હોવાથી તે નહોતો રમ્યો અને તેના સ્થાને ડુ પ્લેસીએ સુકાન સંભાળ્યું હતું.
મુંબઈએ કૉર્બિન બૉસ્ચના સ્થાને સ્પિનર મિચલ સૅન્ટનરને ઇલેવનમાં સમાવ્યો છે.
ગુરુવારે કઈ મૅચ?
ગુજરાત વિરુદ્ધ લખનઊ
અમદાવાદ, સાંજે 7.30