ઍરપોર્ટ પર ચાહકોના દિલ તોડ્યા પછી મિચલ સ્ટાર્ક હવે પાછો નથી આવવાનો

નવી દિલ્હી: આ વખતે આઈપીએલ (IPL-2025)માં સારી શરૂઆત કર્યા બાદ હવે પ્લે-ઑફ માટે સંઘર્ષ કરી રહેલી દિલ્હી કેપિટલ્સ (dc)ની ટીમનો મુખ્ય બોલર મિચલ સ્ટાર્ક બાકીની મૅચો માટે ભારત પાછો નથી આવવાનો. ગયા અઠવાડિયે તે ઑસ્ટ્રેલિયા જવા રવાના થયો ત્યારે દિલ્હી ઍરપોર્ટ પર તેણે ચાહકોને ‘ આઘા જાઓ’ એવું કહીને નારાજ કર્યા હતા. ચાહકો તેના આ અસભ્ય વર્તનથી ચોંકી ગયા હતા.
સ્ટાર્કે આ વખતે 11 મૅચમાં 14 વિકેટ લીધી છે જે દિલ્હીના તમામ બોલરમાં હાઈએસ્ટ છે. દિલ્હી કેપિટલ્સે સ્ટાર્ક (starc)ને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતાં આઇપીએલ અટકાવી દેવામાં આવી ત્યારે વિદેશી ખેલાડીઓ ભારત છોડીને જવા લાગ્યા હતા. દિલ્હી ઍરપોર્ટ પર ટર્મિનલની બહાર મિચલ સ્ટાર્કને જોતાં જ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ તેની પાસે જવા લાગ્યા હતા. સ્ટાર્ક ત્યારે ટ્રોલીમાં પોતાની ક્રિકેટ કિટ ગોઠવી રહ્યો હતો. તેણે કેટલાક ચાહકોને પોતાની પાસે આવતા ટાળ્યા હતા અને એમાંનો એક ફેન તેનો વીડિયો ઉતારી રહ્યો હતો ત્યારે સ્ટાર્કે તેને ‘ દૂર જાઓ’ એવું ત્રણ વાર કહીને નારાજગી બતાવી હતી.
સ્ટાર્ક ઑસ્ટ્રેલિયા પાછો પહોંચી ગયો છે અને હવે થોડા દિવસ આરામ કર્યા બાદ ૧૧મી જૂને લોર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યૂટીસી)ની ફાઈનલ માટેની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે.
એક અહેવાલ મુજબ સ્ટાર્કે દિલ્હી કેપિટલ્સના ફ્રેન્ચાઈઝીને જણાવી દીધું છે કે તે હવે આ વખતની આઇપીએલની બાકીની મૅચો રમવા ભારત પાછો નહીં આવે.
સાઉથ આફ્રિકાનો ટ્રિસ્ટેન સ્ટબ્સ ડબલ્યૂટીસીની ફાઈનલમાં રમવાનો હોવાથી દિલ્હી માટે પ્લે-ઑફની મૅચોમાં ઉપલબ્ધ નહીં હોય. ફાફ ડુ પ્લેસીએ હજી દિલ્હીને સ્પષ્ટ જવાબ નથી આપ્યો એવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો….કોલકાતામાં નહીં રમાય IPL 2025 ની ફાઇનલ મેચ? અમદાવાદ કે મુંબઈને મળી શકે છે તક