IPL 2025

`સૂર્યકુમારની ટીમ’ સાથે હાર્દિક પણ ચેન્નઈ પહોંચી ગયોઃ નેટમાં સિક્સર પર સિક્સર ફટકારી

ચેન્નઈઃ પાંચ વખત આઇપીએલનું ટાઇટલ જીતનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ 18મી આઇપીએલમાં રવિવાર, 23મી માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) રમાનારી પોતાની પ્રથમ મૅચ રમવા ચેન્નઈ પહોંચી ગઈ છે.

મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યા એક મૅચ માટે સસ્પેન્ડ થયો હોવાથી રવિવારની મૅચમાં સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ સંભાળશે. ચેન્નઈમાં પહેલા જ દિવસે એમઆઇના ખેલાડીઓની નેટ પ્રૅક્ટિસ યોજાઈ હતી જેમાં હાર્દિકે જોરદાર ફટકાબાજી કરી હતી.

https://twitter.com/mipaltan/status/1902993951432507859

2024ની સીઝનમાં સુકાની હાર્દિક પંડ્યા એમઆઇની (લખનઊ સામેની) અંતિમ મૅચમાં પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી નહોતો કરાવી શક્યો અને સ્લો ઓવર-રેટનું તેનું એ ત્રીજું અફેન્સ હોવાથી તેને 30 લાખ રૂપિયાનો દંડ થવા ઉપરાંત તેના પર એક મૅચનો પ્રતિબંધ લાગુ કરાયો હતો.

ત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી એમઆઇની ટીમની એકેય મૅચ બાકી ન હોવાથી હાર્દિક પર એ સસ્પેન્શન હવે રવિવારની મૅચમાં લાગુ કરાશે જેને લીધે તે એ મૅચમાં નહીં રમી શકે.

સૂર્યકુમાર ભારતની ટી-20 ટીમનો સફળ સુકાની છે અને તેને રવિવારે ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં રમનાર સીએસકેની ટીમનો પડકાર ઝીલવામાં બહુ તકલીફ નહીં પડે. રસપ્રદ વાત એ છે કે સૂર્યકુમાર અગાઉ એક વાર એમઆઇનું સુકાન સંભાળી ચૂક્યો છે.

આપણ વાંચો: શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ

2023ની આઇપીએલમાં તેને એ અવસર મળ્યો હતો. 2024ની સાલથી રોહિત શર્માના સ્થાને હાર્દિકને નેતૃત્વની જવાબદારી સોંપાઈ હતી. રોહિતના સુકાનમાં એકઆઇની ટીમ પાંચ ટાઇટલ જીતી ચૂકી છે.

એમઆઇ અને સીએસકે વચ્ચેનો કોઈ પણ જંગ સર્વોત્તમ ગણાય છે. 2019ની આ જ બે ટીમ વચ્ચેની ફાઇનલ આઇપીએલના ઇતિહાસની સૌથી રોમાંચક મૅચ તરીકે ઓળખાય છે. એ મુકાબલામાં લસિથ મલિન્ગાએ સીએસકેના શાર્દુલ ઠાકુરને મૅચના અંતિમ બૉલમાં એલબીડબ્લ્યૂ કરીને એમઆઇને એક રનથી વિજય અપાવ્યો હતો.

દરમ્યાન, હાર્દિકે ગઈ કાલે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર પ્રૅક્ટિસ સેશન દરમ્યાન જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે શ્રેણીબદ્ધ છગ્ગા ફટકાર્યા હતા. એક્સ' પર મુંબઈ ઇન્ડિયન્સના હૅન્ડલ પર હાર્દિકની ફટકાબાજી વિશે લખવામાં આવ્યું,એક સે બઢકર એક ચાબૂક શૉટ’.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button