
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં અહીં આજે મુંબઈ ઇન્ડિયન્સ (mi)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr)ને હરાવીને આ વખતે જીતવાનું મોડું શરૂ કર્યું, પરંતુ ધમાકેદાર આરંભ કર્યો. પહેલી બન્ને મૅચ હારી જનાર એમઆઇએ 117 રનનો લક્ષ્યાંક 43 બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને 121/2ના સ્કોર સાથે મેળવી લીધો હતો અને પહેલા બે પૉઇન્ટ મેળવ્યા હતા. લેફ્ટ-આર્મ પેસ બોલર અશ્વની કુમાર (3-0-24-4) અને વિકેટકીપર-બૅટર રાયન રિકલ્ટને (62 અણનમ, 41 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ના સુપર પર્ફોર્મન્સને લીધે એમઆઇની જીત એકદમ આસાન થઈ ગઈ હતી.
મૂળ મુંબઈના જ અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીમાં, મુંબઈના જ ચંદ્રકાન્ત પંડિતના કોચિંગમાં અને મુંબઈના બૉલીવૂડ સ્ટાર શાહરુખ ખાનની માલિકીવાળી કેકેઆરની ટીમ બૅટિંગ મળ્યા બાદ 16.2 ઓવરમાં માત્ર 116 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. યોગાનુયોગ, કેકેઆરના 116 રનમાં મૂળ મુંબઈના જ અંગક્રિશ રઘુવંશીના 26 રન હાઇએસ્ટ હતા. અશ્વનીની ચાર વિકેટ ઉપરાંત દીપક ચાહરે બે વિકેટ લીધી હતી.
117 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ એમઆઇએ સાધારણ શરૂઆત કરી હતી, પણ રોહિત શર્મા (13 રન) ફરી ફ્લૉપ ગયો હતો. વિલ જૅક્સે 16 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યકુમાર યાદવ 27 રને અણનમ રહ્યો હતો. તેની અને રિકલ્ટન વચ્ચે 30 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
એમઆઇની બન્ને વિકેટ (બૅટિંગમાં નિષ્ફળ ગયેલા ઑલરાઉન્ડર) આન્દ્રે રસેલે લીધી હતી.
એમઆઇની હવે પછીની મૅચ હરીફના સ્થળે છે. ચોથી એપ્રિલે લખનઊમાં એલએસજી સામે મુકાબલો થશે અને સાતમી એપ્રિલે એમઆઇ વિરુદ્ધ આરસીબીની વાનખેડેમાં મૅચ રમાશે.
આ પણ વાંચો :સ્ટીફન ફ્લેમિંગ કહે છે, `ધોનીને ઘૂંટણમાં ગમે ત્યારે દુખાવો થઈ શકે એટલે તે…’