IPL 2025

વાનખેડેમાં કોલકાતા સામે મુંબઈનો 9-2નો હાર-જીતનો જબરદસ્ત રેકૉર્ડ છે

જોકે કેકેઆરનો છેલ્લી છમાંથી પાંચમાં જીતઃ આજે સાંજે મુકાબલોઃ કેકેઆરના કૅપ્ટન રહાણેએ ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી વાનખેડેમાં ફટકારી હતી

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) 2024ની આઇપીએલ (IPL 2025)ના પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લે અંતિમ (10મા) નંબર પર રહ્યું હતું અને આ વખતે બે મૅચ હાર્યા પછી પણ એ જ સ્થાને (10મા નંબરે) છે, પરંતુ હવે આજે ટેબલમાં એની કદાચ થોડી પ્રગતિ જોવા મળી શકે જેનું કારણ એ છે કે વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં એનો આજે (સાંજે 7.30 વાગ્યાથી) કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે મુકાબલો છે અને આ મેદાન પર કેકેઆર સામે એમઆઇનો 9-2નો હાર-જીતનો જોરદાર સફળ રેકૉર્ડ છે. જોકે એકંદરે છેલ્લી છ મૅચની વાત કરીએ તો એમાંથી પાંચમાં કેકેઆરનો અને માત્ર એકમાં એમઆઇનો વિજય થયો છે.

એમઆઇની ટીમ પ્રથમ મૅચ કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવના સુકાનમાં અને બીજી મૅચ મુખ્ય કૅપ્ટન હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં હારી ગઈ હોવાથી પૉઇન્ટ્સ-ટેબલમાં હજી ખાતુ નથી ખોલાવી શકી. જોકે વર્ષોથી આઇપીએલની ટૂર્નામેન્ટમાં શરૂઆતના કેટલાક પરાજય બાદ જીતવાની શરૂઆત કરવા માટે જાણીતી એમઆઇની ટીમ આજે જીતીને પહેલા બે પૉઇન્ટ મેળવી શકે એમ છે.

આપણ વાંચો: બુમરાહ શરૂઆતની મૅચો નહીં રમે, મુંબઈ ઇન્ડિયન્સ પાસે બીજા નવ પેસ બોલર છે!

તરારૂપ સુનીલ નારાયણ કેકેઆરમાં કમબૅક કરી રહ્યો હોવાથી એમઆઇ માટે થોડી ચિંતા તો છે જ, પરંતુ હાર્દિક ઇલેવનને હોમ-ટાઉનનો લાભ મળી શકે એમ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કેકેઆરની ટીમ પણ કંઈ આ વખતે જ્વલંત સફળતાઓ મેળવીને એમઆઇ સામે રમવા નથી આવી. કેકેઆર બેમાંથી એક મૅચ હારી છે અને એના ખાતે માત્ર બે પૉઇન્ટ છે.

એમઆઇને આ વખતે ટૉપ-ઑર્ડરથી કોઈ જ ફાયદો નથી મળ્યો, પણ હાર્દિકે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની હાર પછી કહ્યું એમ એમઆઇના બૅટ્સમેને બહુ જલદી જવાબદારી સંભાળીને રમવું જ પડશે.

જોકે એમઆઇએ મૂળ મુંબઈના જ ખેલાડી અને કેકેઆરના કૅપ્ટન અજિંક્ય રહાણેથી ખાસ ચેતવું પડશે. બે વર્ષ પહેલાં તે સીએસકેની ટીમમાં હતો ત્યારે તેણે આઇપીએલની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી (19 બૉલમાં) વાનખેડેમાં જ નોંધાવી હતી. સીએસકેએ એ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી.

મુંબઈની ટીમે પાછલી મૅચમાં યુવાન સ્પિનર વિજ્ઞેશ પુથુરને અને વિલ જૅક્સને રમાડવાનું ટાળ્યું હતું અને આજે રમાડશે કે કેમ એ જોવું રહ્યું. જોકે ઇંગ્લૅન્ડના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર રીસ ટૉપ્લીને આજે ઇલેવનમાં સ્થાન અપાશે એવી પાકી સંભાવના છે.

આપણ વાંચો: IPL-2024 : હિટમૅન રોહિત શર્મા (Rohit Sharma) મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની બાદબાકી બાદ કોના પર કેમ ભડકી ગયો?

રોહિતને નારાયણ ફરી નડશે?, સૂર્યાને 20 રનની જરૂર

રોહિત શર્મા પહેલી બન્ને મૅચમાં ફ્લૉપ રહ્યો ત્યાર પછી હવે આજે વાનખેડેમાં કેકેઆર સામે સારું રમશે એવી તેના અસંખ્ય ચાહકોને અપેક્ષા હશે. જોકે કેકેઆરની ટીમમાં કમબૅક કરી રહેલા સ્પિનર સુનીલ નારાયણ સામે તેણે ખાસ ચેતવું પડશે.

કારણ એ છે કે નારાયણ તેને આઇપીએલમાં 10 વખત આઉટ કરી ચૂક્યો છે. રોહિતને આનાથી વધુ વખત બીજો કોઈ બોલર આઉટ નથી કરી શક્યો. સૂર્યકુમાર યાદવ હવે બીજા 20 રન બનાવશે એટલે ટી-20 ફૉર્મેટમાં તેના 8,000 રન પૂરા થશે.

પિચ શું કહે છે?

આ વખતની આઇપીએલમાં વાનખેડેમાં આ પહેલી જ મૅચ છે. પિચમાં અને મેદાન પર થોડો ભેજ રહેશે. મરીન ડ્રાઇવ તરફથી પવન ફૂંકાશે. ટૉસ જીતનારી ટીમ મોટા ભાગે પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કરશે.

આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી 15 કરોડ રૂપિયા મેળવતો ઇશાન બીસીસીઆઇનો એક કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે

સંભવિત પ્લેઇંગ ઇલેવન

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રૉબિન મિન્ઝ, નમન ધીર, દીપક ચાહર, મિચલ સૅન્ટનર/મુજીબ-ઉર-રહમાન, ટ્રેન્ટ બૉલ્ટ, એસ. રાજુ અને રીસ ટૉપ્લી (12મો પ્લેયર).

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), સુનીલ નારાયણ, ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જૉન્સન, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા (12મો પ્લેયર).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button