IPL 2025

જાણી લો, મુંબઈ ઇન્ડિયન્સે દરેક સીઝનમાં જીતવાનું ક્યારે શરૂ કર્યું…

આ વખતે પહેલા બન્ને મુકાબલામાં હાર જોઈ છે, સોમવારે વાનખેડેમાં કોલકાતા સાથે ટક્કર

અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) આઇપીએલ ((IPL)માં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ છે, પરંતુ 2008ની પ્રથમ સીઝનથી માંડીને અત્યાર સુધીમાં આ ટીમે મોટા ભાગે નિરાશાજનક શરૂઆત કરી છે અને આ વખતની સીઝન પણ એમાં અપવાદ નથી.

ર્દિક પંડ્યાના સુકાનમાં એમઆઇની ટીમ આ વખતે પહેલી બન્ને મૅચ હારી ગઈ છે અને હવે સોમવાર, 31મી માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેનો મુકાબલો (સાંજે 7.30 વાગ્યાથી) જીતીને આ વખતની સીઝનમાં જીતવાનું શરૂ કરવા કોઈ કસર નહીં છોડે. મૂળ મુંબઈનો અજિંક્ય રહાણે કેકેઆરનો કૅપ્ટન છે અને સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતવાના આશયથી જ મેદાન પર ઊતરશે.

આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ

મુંબઈના જાણીતા સ્કોરર દીપક જોશીએ આપેલી આંકડાકીય જાણકારી મુજબ એમઆઇની ટીમે 2012ની સાલ પછી ક્યારેય સીઝનની પ્રથમ મૅચ જીતી જ નથી. એમાં પણ 2022ના વર્ષમાં એમઆઇનો આરંભ અત્યંત ખરાબ હતો. એ સીઝનમાં એમઆઇની ટીમે પહેલી આઠ મૅચમાં પરાજય જોયા પછી નવમી મૅચમાં જીતવાનું શરૂ કર્યું હતું.

શનિવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે એમઆઇનો 36 રનથી પરાજય થયો હતો. જીટીએ બૅટિંગ મળ્યા બાદ ઓપનર સાઇ સુદર્શનના 63 રનની મદદથી આઠ વિકેટે 196 રન કર્યા હતા. એમઆઇની ટીમ જવાબમાં 20 ઓવરમાં છ વિકેટે 160 રન બનાવી શકી હતી જેમાં સૂર્યકુમાર યાદવના 48 રન હાઇએસ્ટ હતા.

આપણ વાંચો: શરૂઆતમાં બુમરાહની ગેરહાજરીઃ મુંબઈ ઇન્ડિયન્સના હેડ-કોચ જયવર્દનેએ કહ્યું કે…

23મી માર્ચે એમઆઇ સામે સીએસકેએ પાંચ બૉલ બાકી રાખીને ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. બન્ને મૅચમાં એમઆઇએ સાધારણ બૅટિંગ અને સાધારણ બોલિંગને લીધે ઉપરાઉપરી બે હાર જોવી પડી છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહની એમઆઇને ખોટ વર્તાઈ રહી છે.

બૅટિંગમાં રોહિત શર્મા બન્ને મૅચમાં ફ્લૉપ રહ્યો છે અને ટીમને સારું ઓપનિંગ પણ નથી મળ્યું જેને લીધે મિડલ-ઑર્ડર અને નીચલા ક્રમના બૅટ્સમેન પર બોજ આવી પડે છે અને તેઓ ઉતાવળે રન બનાવવાની લાલચમાં વિકેટ ગુમાવી બેસે છે.

એમઆઇએ 2013માં પ્રથમ ટાઇટલ મેળવ્યું હતું. ત્યાર પછી એમઆઇની ટીમ 2015, 2017, 2019 અને 2020માં ચૅમ્પિયન બની હતી.


એમઆઇએ દરેક સીઝનમાં પ્રથમ મૅચ ક્યારે જીતી?

2008માંઃ પહેલી ચાર મૅચના પરાજય બાદ
2009માંઃ પહેલી જ મૅચમાં
2010માંઃ પહેલી જ મૅચમાં
2011માંઃ પહેલી જ મૅચમાં
2012માંઃ પહેલી જ મૅચમાં
2013માંઃ પ્રથમ મૅચના પરાજય બાદ
2014માંઃ પહેલી પાંચ મૅચના પરાજય બાદ
2015માંઃ પહેલી ચાર મૅચના પરાજય બાદ
2016માંઃ પહેલી મૅચના પરાજય બાદ
2017માંઃ પહેલી મૅચના પરાજય બાદ
2018માંઃ પહેલી ત્રણ મૅચના પરાજય બાદ
2019માંઃ પ્રથમ મૅચના પરાજય બાદ
2020માંઃ પ્રથમ મૅચના પરાજય બાદ
2021માંઃ પ્રથમ મૅચના પરાજય બાદ
2022માંઃ પહેલી આઠ મૅચના પરાજય બાદ
2023માંઃ પહેલી બે મૅચના પરાજય બાદ
2024માંઃ પહેલી ત્રણ મૅચના પરાજય બાદ
2025માંઃ પહેલી બે મૅચમાં પરાજય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button