IPL 2025

મુંબઈની જેમ કોલકાતાએ પણ હાથમાં આવેલી બાજી ગુમાવી, પૂરને લખનઊને જિતાડ્યું

શાર્દુલે રહાણે-રસેલની મહત્ત્વની વિકેટ લઈને બાજી ફેરવી, નારાયણ સાથેની હરીફાઈમાં રાઠી જીત્યો

કોલકાતાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ અહીં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેના થ્રિલરમાં ચાર રનથી વિજય મેળવ્યો હતો. સોમવારે વાનખેડેમાં બેંગલૂરુ સામે જેમ મુંબઈને જીતવાનો સુવર્ણ મોકો હતો, પણ હાર્દિક પંડ્યાના સુકાનમાં મુંબઈની ટીમ છેલ્લી ઓવર્સની ફટકાબાજીમાં જીત ન મેળવી શકી અને 12 રનથી હારી ગઈ લગભગ એવી જ સ્થિતિમાં અહીં ઈડન ગાર્ડન્સમાં કોલકાતાનો લખનઊ સામે ચાર રનથી પરાજય થયો હતો. અજિંક્ય રહાણેના સુકાનમાં કોલકાતાની ટીમ પણ ડેથ ઓવર્સની ફટકાબાજીમાં જરાક માટે વિજય ચૂકી ગઈ હતી.

લખનઊએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ત્રણ વિકેટે 238 રન કર્યા હતા. કોલકાતાની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 234 રન બનાવી શકી હતી અને રિન્કુ સિંહ (38 અણનમ, 15 બૉલ, બે સિક્સર, છ ફોર)ની જબરદસ્ત ફટકાબાજી છતાં કોલકાતાનો ફક્ત ચાર રનથી પરાજય થયો હતો. તેની સાથે હર્ષિત રાણા (10 અણનમ, નવ બૉલ, બે ફોર) તેની સાથે છેક સુધી ક્રીઝ પર હતો.

કોલકાતાને 239 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. 37મા રને ક્વિન્ટન ડિકૉક (15 રન, 9 બૉલ, બે સિક્સર)ને આકાશ દીપે એલબીડબ્લ્યૂ કર્યો ત્યાર બાદ સુનીલ નારાયણ (30 રન, 13 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને કૅપ્ટન અજિંક્ય રહાણે (61 રન, 35 બૉલ, બે સિક્સર, આઠ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 23 બૉલમાં 54 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી રહાણેની ટીમના સૌથી મોંઘા ખેલાડી વેન્કટેશ ઐયર (45 રન, 29 બૉલ, એક સિક્સર, છ ફોર) સાથે 40 બૉલમાં 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. બસ, કોલકાતાની ટીમમાં એ છેલ્લી મોટી ભાગીદારી હતી જે શાર્દુલ ઠાકુરે રહાણેને આઉટ કરીને તોડી હતી.
યોગાનુયોગ, શાર્દુલ ડૉમેસ્ટિક ક્રિકેટમાં રહાણેની કૅપ્ટન્સીમાં જ મુંબઈ વતી રમતો હોય છે, પરંતુ આઈપીએલ (IPL 2025)ની આ આ મૅચમાં બન્ને પ્લેયર હરીફ હતા અને એમાં શાર્દુલે તેની સામે સફળતા મેળવી હતી.

આ પણ વાંચો: એકેય સેન્ચુરી ન થઈ, પણ ત્રણ વિદેશી બૅટ્સમેને લખનઊને 238/3નો તોતિંગ સ્કોર અપાવ્યો

એક તબક્કે ધમાકેદાર શરૂઆત કરનાર કોલકાતાનો સ્કોર 13મી ઓવરમાં માત્ર બે વિકેટે 162 રન હતો ત્યારે કોલકાતાના વિજયની સંભાવના વધુ હતી. જોકે એ ટોટલ પર શાર્દુલના બૉલમાં રહાણે કૅચઆઉટ થયો અને પછી થોડા-થોડા સમયે વિકેટ પડતી ગઈ અને કોલકાતાના હાથમાંથી બાજી સરતી ગઈ હતી.

17મી ઓવરમાં 185 રનના સ્કોર પર આન્દ્રે રસેલ (સાત રન)એ રિન્કુ સિંહનો સાથ છોડ્યો એ સાથે કોલકાતા માટે વિજય વધુ મુશ્કેલ થઈ ગયો હતો. રસેલની પ્રાઇઝ વિકેટ પણ શાર્દુલે જ લીધી હતી જેને તેણે ડેવિડ મિલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

રિષભ પંતે 20મી અત્યંત મહત્ત્વની ઓવર સ્પિનર રવિ બિશ્નોઈને આપી હતી. એ ઓવરમાં કોલકાતાએ જીતવા 24 રન બનાવવાના હતા. સ્ટ્રાઇક પર હર્ષિત રાણા હતો જેણે પ્રથમ બૉલના ચોક્કાથી અને ત્રીજા બૉલના સિંગલ સાથે રિન્કુને સ્ટ્રાઇક પર આવવા દીધો હતો. ત્યારે કોલકાતાને વિજય માટે ત્રણ બૉલમાં ત્રણ સિક્સરની જરૂર હતી. રિન્કુ સ્ટ્રાઇક પર હોવાથી એ સંભવ હતું, પરંતુ તે ઉપરાઉપરી બે ચોક્કા ફટકારી શક્યો હતો. અંતિમ બૉલમાં તેણે છગ્ગો માર્યો હતો, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ ઓવરમાં 24ને બદલે 19 રન બન્યા હતા અને લખનઊનો ચાર રનથી વિજય થયો હતો. શાર્દુલ તથા આકાશ દીપે બે-બે વિકેટ તેમ જ આવેશ ખાન, દિગ્વેશ રાઠી અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.
આ મૅચમાં લખનઊના સ્પિનર દિગ્વેશ રાઠી અને કોલકાતાના સુનીલ નારાયણ વચ્ચે ચડિયાતા બનવાની હરીફાઈ થવાની હતી જેમાં રાઠી મેદાન મારી ગયો હતો. તેણે જ નારાયણ (30 રન)ની વિકેટ લીધી હતી.

એ પહેલાં, એલએસજીની ટીમે બૅટિંગ મળી એનો ટૉપ-ઑર્ડરના ત્રણેય વિદેશી બૅટ્સમેને પૂરો ફાયદો લીધો હતો અને શાનદાર ઓપનિંગ બાદ ઇનિંગ્સને ધમાકેદાર અંત આપ્યો હતો.

નિકોલસ પૂરન (87 અણનમ, 36 બૉલ, આઠ સિક્સર, સાત ફોર) લખનઊની ઇનિંગ્સનો સૂત્રધાર હતો. તેણે વેસ્ટ ઇન્ડિઝના જ ખેલાડી રસેલની 18મી ઓવરમાં આ રીતે 24 રન બનાવ્યા હતાઃ 4, 0, 4, 6, 4, 6.

પૂરન ઉપરાંત ઓપનર મિચલ માર્શ (81 રન, 48 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) અને સાથી ઓપનર એઇડન માર્કરમ (47 રન, 28 બૉલ, બે સિક્સર, ચાર ફોર)નું પણ લખનઊના 238 રનમાં મહત્ત્વનું યોગદાન હતું. આ ત્રણેય વિદેશી બૅટ્સમેને કોલકાતાના છ બોલરની ખબર લઈ નાખી હતી. ચોથો વિદેશી બૅટ્સમૅન ડેવિડ મિલર પાંચમા ક્રમે બૅટિંગમાં આવ્યો હતો અને ચાર રને અણનમ રહ્યો હતો.

માર્કરમ-માર્શ વચ્ચે 62 બૉલમાં 99 રનની, માર્શ-પૂરન વચ્ચે 30 બૉલમાં 71 રનની અને પૂરન અને અબ્દુલ સામદ (ચાર બૉલમાં છ રન) વચ્ચે 18 બૉલમાં 51 રનની ભાગીદારી થઈ હતી.

કોલકાતાના છ બોલરમાંથી હર્ષિત રાણાને બે અને આન્દ્રે રસેલને એક વિકેટ મળી હતી. સ્પેન્સર જૉન્સન (3-0-46-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને પણ એકેય વિકેટ નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button