IPL 2025

કૃણાલનો કરિશ્મા: આઈપીએલનો એવો પહેલો ખેલાડી બન્યો જે…

વિરાટ એટલે ફાંકડો ફટકાબાજ: ભૂતપૂર્વ સાથી ખેલાડીનો જ વિક્રમ તોડ્યો

અમદાવાદ: આઈપીએલ-2025ની 22મી માર્ચની પ્રથમ લીગ મૅચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ કોલકાતાને હરાવ્યું હતું એમાં કૃણાલ પંડ્યા (29 રનમાં ત્રણ વિકેટ) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. મંગળવારે અમદાવાદમાં પંજાબ સામે રમાયેલી ફાઈનલમાં પણ કૃણાલ પંડ્યા (17 રનમાં બે વિકેટ) આ પુરસ્કાર જીત્યો. આ યોગાનુયોગ હશે, પરંતુ આઈપીએલની બે ફાઈનલમાં મૅન ઑફ ધ મૅચ (MOM)નો પુરસ્કાર જીતનાર તે વિશ્વનો પહેલો ખેલાડી તો બન્યો જ છે.

Image source: BCCI

કૃણાલે (KRUNAL PANDYA) મંગળવારે પંજાબના 72 રનના સ્કોર વખતે ઓપનર પ્રભસિમરન સિંહ (26 રન)ની અને 98 રનના સ્કોર વખતે વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (39 રન)ની મહત્વની વિકેટ લઈને તેમ જ 136 રનના સ્કોર પર નેહલ વઢેરા (15 રન)નો કૅચ ઝીલીને પંજાબને એક પછી એક મોટા આંચકા આપ્યા હતા. બેંગલૂરુએ 9 વિકેટે 190 રન કર્યા પછી પંજાબની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરી શકી હતી અને બેંગ્લૂરુનો 6 રનથી રોમાંચક વિજય થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર (એક રન)ની સૌથી મહત્વની વિકેટ બેંગ્લૂરુના રોમારિયો શેફર્ડે લીધી હતી. શેફર્ડે શ્રેયસને વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

Image source: BCCI

2017ની સાલમાં મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ (IPL)ની ટ્રોફી જીત્યું હતું ત્યારે ફાઇનલમાં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામેની ફાઇનલમાં કૃણાલ પંડ્યા મુંબઈ વતી (બૅટ્સમેનના રૂપમાં) મૅન ઑફ ધ ફાઈનલનો અવૉર્ડ જીત્યો હતો. એ ફાઇનલમાં કૃણાલે મુંબઈ વતી બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી હાઈએસ્ટ 47 રન કર્યા હતા. તેને ત્યારે વિકેટ નહોતી મળી, પરંતુ તેના એ 47 રન મૅચ-વિનિંગ સાબિત થયા હતા.

કુણાલ પંડ્યા અત્યાર સુધીમાં જેટલી પણ આઈપીએલ ફાઇનલ રમ્યો છે એમાં તેણે જીત માણી છે. મુંબઇ ઇન્ડિયન્સ વતી ત્રણ અને બેંગ્લૂરુ વતી એક, એમ કુલ મળીને તમામ ચાર ફાઇનલ જીતીને કૃણાલનો 4-0નો વિનિંગ રેશિયો છે.

આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ફોર ફટકારનારાઓમાં હવે વિરાટ કોહલી (VIRAT KOHLI) પ્રથમ નંબરે છે. તે શરૂઆતથી અત્યાર સુધી આરસીબી વતી જ રમ્યો છે અને એમાં તેણે કુલ 259 ઇનિંગ્સ રમીને 771 ચોક્કા ફટકાર્યા છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ચોક્કા ફટકારવાના શિખર ધવન (221 ઇનિંગ્સમાં 768 ચોક્કા)ના રેકૉર્ડને વિરાટે મંગળવારે તોડી નાખ્યો હતો.

આ પણ વાંચો….18 વર્ષમાં પ્રથમ વખત આરસીબી જીત્યું આઈપીએલ ટ્રોફી, વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને લઈ કહી આ વાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button