IPL 2025

કોહલી નહીં આ ગુજરાતી રહ્યો આરસીબીની ફાઈનલ જીતનો હીરો

અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુએ પંજાબ કિંગ્સને મંગળવારે રાત્રે આઇપીએલ-2025ની ફાઈનલમાં છ રનથી હરાવીને 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું હતું. પંજાબને પણ પ્રથમ વખત ટાઇટલ જીતવાની સુવર્ણ તક હતી જે એણે ગુમાવી હતી. બેંગલૂરુએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરી શકી હતી. રજત પાટીદાર પહેલી વાર આરસીબીનો સુકાની બન્યો અને આ ટીમને ટ્રોફી અપાવી હતી.

આ મુકાબલામાં આરસીબીની જીતનો સૌથી મોટો સ્ટાર ગુજરાતી સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા રહ્યો હતો. તેણો પોતાના ડ્રીમ સ્પેલ દ્વારા પૂરી મેચ પલટી નાંખી હતી. તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. તેની ચુસ્ત બોલિંગથી આરસીબીએ મેચમાં કમબેક કર્યું હતું. આર્ય આઉટ થયા બાદ કૃણાલ પંડ્યાનો ડ્રીમ સ્પેલ શરૂ થયો હતો. તેને સાતમી ઓવરમાં બોલિંગ સોંપવામાં આવી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.

આ પછીની ઓવરમાં જોશ ઈંગ્લિસ અને પ્રભસિમરન સિંહે સૂયશ શર્માની ઓવરમાં 15 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ તેની બીજી ઓવરમાં માત્ર 4 રન આપ્યા અને પ્રભસિમરન સિંહને આઉટ કરીને પંજાબને બીજો ઝટકો આપ્યો હતો. આ પછીની ઓવરમાં રોમારિયો શેફર્ડે પંજાબના કેપ્ટન શ્રેયસને પેવેલિયન મોકલીને મેચ આરસીબી તરફ કરી હતી. કૃણાલે તેની ત્રીજી ઓવરમાં 7 રન આપ્યા હતા. તેની પ્રથમ ત્રણ ઓવર શાનદાર ગઈ હોવાથી તેને સતત ચોથી ઓવર માટે બોલિંગ સોંપવામાં આવી હતી. કૃણાલે અંતિમ ઓવરમાં જોશ ઈંગ્લિસને આઉટ કરીને મેચ પંજાબ પાસેથી છીનવી લીધી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો….`દુશ્મન કે છક્કે છૂડા દે, હમ ઇન્ડિયા વાલે…’: શંકર મહાદેવને પુત્રો સાથે પર્ફોર્મ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button