2025ની સીઝનમાં કોહલીની પાંચમી હાફ સેન્ચુરી, બેંગલૂરુમાં પ્રથમ

બેંગલૂરુઃ 2025ની આઇપીએલ (IPL-2025) સીઝનમાં આઠમાંથી હોમટાઉન બેંગલૂરુમાં ત્રણેય મૅચ હારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત બાદ નાનો ધબડકો જોયો હતો, પરંતુ છેવટે આ ટીમ 200 રનનો આંક પાર કરી શકી હતી. આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન કરીને રાજસ્થાનને 206 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
વિરાટ કોહલી (70 રન, 42 બૉલ, બે સિક્સર, આઠ ફોર) ફરી એકવાર આ ઇનિંગ્સનો હીરો હતો. તેણે પહેલાં તો સાથી ઓપનર ફિલ સૉલ્ટ (26 રન, 23 બૉલ, ચાર ફોર) સાથે 61 રનની ભાગીદારી કરી હતી અને સૉલ્ટની વિકેટ પડ્યા બાદ દેવદત્ત પડિક્કલ (50 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) સાથે કોહલી (VIRAT KOHLI)એ બીજી વિકેટ માટે 95 રનની પાર્ટનરશિપ કરી હતી.
આ પણ વાંચો: રાજસ્થાને ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગઃ ટીનેજર વૈભવ ઇમ્પૅક્ટ પ્લેયરના લિસ્ટમાં
કોહલીની વર્તમાન સીઝનમાં આ પાંચમી હાફ સેન્ચુરી છે. જોકે હોમગ્રાઉન્ડમાં આ વખતે તે પહેલી જ વાર અડધી સદી ફટકારવામાં સફળ થયો છે. તેના સ્કોર્સ આ મુજબ રહ્યા છેઃ 59 અણનમ, 31, 7, 67, 22, 62 અણનમ, 1, 73 અણનમ અને 70.
ટિમ ડેવિડે 23 રન કર્યા હતા, જ્યારે આરસીબીને એક્સ્ટ્રાના 20 રન મળ્યા હતા.
રાજસ્થાન વતી પેસ બોલર સંદીપ શર્માએ સૌથી વધુ બે વિકેટ તેમ જ જોફ્રા આર્ચર અને વનિન્દુ હસરંગાએ એક-એક વિકેટ લીધી હતી. ફઝલહક ફારુકી, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને એક પણ વિકેટ નહોતી મળી.