કોહલીએ જિતાડ્યા એટલે અનુષ્કા સાથેનો વીડિયો વાઈરલ થયો!

મુલ્લ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): વિરાટ કોહલી અહીં ગઈ કાલે પંજાબ કિંગ્સ (PBKS) સામે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને વિજય અપાવીને તેમ જ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતીને ફરી ન્યૂઝમાં ચમકી ગયો છે અને એ સાથે તેનો અને અનુષ્કા (ANUSHKA)નો દુબઈ ખાતેની તાજેતરની એક ઇવેન્ટનો વીડિયો વાઈરલ થયો છે જેમાં એક્ટ્રેસ-પત્ની અનુષ્કા સાથે કોહલી (VIRAT KOHLI) મન મૂકીને ડાન્સની મોજ માણી રહેલો જોવા મળી રહ્યો છે.
ગઈ કાલે કોહલીએ 54 બૉલમાં એક સિક્સર અને 7 ફોરની મદદથી અણનમ 73 રન કર્યા હતા. પંજાબ (157/6) સામે બેંગલૂરુ (18.5 ઓવરમાં 159/3)એ સાત વિકેટે વિજય મેળવી લીધો હતો. બેંગલૂરુની આ જીતમાં કૃણાલ પંડ્યા (બે વિકેટ) અને સુયશ શર્મા (બે વિકેટ) તેમ જ દેવદત્ત પડિક્કલ (61 રન, 35 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. કોહલી સાથે પડિક્કલે બીજી વિકેટ માટે 103 રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી.
કોહલી અને અનુષ્કા પોતાની અંગત લાઈફને બને ત્યાં સુધી ખાનગી રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યારેક તેઓ જાહેરમાં આનંદની જે પળો માણી રહ્યા હોય એનો વીડિયો વાઈરલ થઈ જતો હોય છે પછી તેઓ મુંબઈ હોય કે દુબઈમાં હોય કે લંડનમાં.
તાજેતરમાં દુબઈ (DUBAI)માં એક શૂટિંગ દરમ્યાન કોહલી અનુષ્કાએ મન મૂકીને ડાન્સ કર્યો હતો જેનો વીડિયો વાઈરલ થયો છે.
આ વીડિયો વિરુષ્કા (વિરાટ + અનુષ્કા)ના એક ફેન-પેજ પર શૅર કરવામાં આવ્યો છે.
કોહલી અને અનુષ્કાએ ચહેરા પર સ્મિત સતત જાળવી રાખીને પોતાની અનોખી સ્ટાઇલના ડાન્સ મૂવ્ઝ સાથે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
છેલ્લા થોડા મહિના દરમ્યાન સેલિબ્રિટી કપલ્સમાં તિરાડ પડી હોવાના સમાચારોએ ખેલકૂદ પ્રેમીઓને નિરાશ કર્યા છે, પરંતુ વિરુષ્કાનો આ વીડિયો સૌને આનંદિત કરી દે એવો છે.
આપણ વાંચો: IPL 2025: 8 માંથી 6 મેચ હારવા છતાં CSK પ્લેઓફમાં પહોંચી શકે છે; જાણો સમીકરણ