
મુંબઈ: અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના ખેલાડીઓ સોમવારે વિશાખાપટનમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મૅચમાં જીતવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ડીસીનો વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ (KL RAHUL) મુંબઈમાં પત્ની આથિયા શેટ્ટી અને નવજાત બાળકી પાસે હતો.
ઉલ્લેખનીય વાત એ છે કે રાહુલની પત્ની અને જાણીતા એક્ટર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ સુંદર બાળકીને જન્મ આપ્યો છે. રાહુલ સોમવારની મૅચ પહેલાં જ પરિવાર પાસે પહોંચી ગયો હતો. રાહુલ અને આથિયા પર સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા થઈ છે.
અક્ષર પટેલ (AXAR PATEL) અને દિલ્હીની ટીમના તેના સાથી ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફે સાથી ખેલાડી રાહુલને અભિનંદન અને શુભેચ્છા આપ્યા છે. એનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં અક્ષરે ‘આ લે ચક મૈં આ ગયા…’ ગીત ગાવાની સાથે નવજાત બાળકીને રમાડતો હોય એવી ઍક્શન કરીને આ વીડિયોને વધુ સંગીન બનાવી દીધો હતો.
આપણ વાંચો: બધાઈ હો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી એક નન્હીં પરી…
જોકે વાઈરલ વીડિયોમાં દિલ્હીના તમામ ખેલાડીઓએ નવજાતને રમાડી રહ્યા હોય એવી ઍક્શન કરીને રાહુલને અનોખી સ્ટાઇલમાં અભિનંદન હતા. ‘આ લે ચક મૈં આ ગયા…’ (AA LE CHAK MAIN AA GAYA) ગીત મૂળ પંજાબી સિંગર પરમિશ વર્માએ ગાયું છે અને ખૂબ લોકપ્રિય થયું છે.
દિલ્હીના ફ્રેન્ચાઈઝીએ પણ રાહુલને અભિનંદન આપ્યા છે. આ ફ્રેન્ચાઈઝીએ ત્રણ મહિના પહેલાં રાહુલને હરાજીમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીની ટીમમાં રાહુલ સૌથી મોંઘો ખેલાડી છે. સોમવારની મૅચમાં રાહુલની ગેરહાજરીમાં અભિષેક પોરેલને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.
રાહુલ ડૅડી બની ગયો એ માટે તેને યોગાનુયોગ નાનું વેકેશન મળી ગયું છે, કારણકે દિલ્હીની સોમવારની મૅચ પછી હવે આગામી મૅચ 30મી માર્ચે રમાશે. એ દિવસે વિશાખાપટનમમાં દિલ્હીનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે.
રાહુલ ગયા વર્ષે લખનઊની ટીમમાં હતો અને રાહુલ છેલ્લે હૈદરાબાદ સામે રમ્યો હતો ત્યારે લખનઊની ટીમનો કેપ્ટન હતો અને એ મૅચમાં લખનઊનો હૈદરાબાદ સામે 10 વિકેટે પરાજય થયો હતો.
આપણ વાંચો: Aathiya Shettyએ આ રીતે વરસાવ્યું કેએલ રાહુલ પર પ્રેમ, સસરા સુનિલ શેટ્ટીએ પણ કહ્યું…
દિલ્હીની ટીમ સોમવારે લખનઊ સામે જીતી એ જ વિનિંગ ટીમ જાળવી રાખશે કે કોઈ ફેરફાર કરશે એ હવે જોવું રહ્યું. ટોપ ઑર્ડરમાં દિલ્હી પાસે જેક ફ્રેઝર મૅકગર્ક અને વાઇસ કેપ્ટન ફાફ ડુ પ્લેસી છે.
દિલ્હીનું ટીમ મેનેજમેન્ટ અભિષેક પોરેલને જાળવી રાખશે કે રાહુલને રમાડશે એ હજી નક્કી નથી. રાહુલને કદાચ ચોથા નંબરે સમીર રિઝવીના સ્થાને લેવામાં આવશે.
હૈદરાબાદ સામે રાહુલનો બૅટિંગ રેકૉર્ડ ઘણો જ સારો છે. હૈદરાબાદ સામે તેણે 13 ઇનિંગ્સમાં 457 રન કર્યા છે. હૈદરાબાદ સામે રાહુલની ચાર હાફ સેન્ચુરી છે અને તેણે 121.22ના સ્ટાઈક-રેટથી રન બનાવ્યા છે.
રાહુલ તાજેતરમાં વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું રમ્યો હતો. એ સ્પર્ધામાં તેણે ભારત વતી મૅચ-ફિનિશરની ભૂમિકા ભજવી હતી.