2024ના બે ફાઇનલિસ્ટ આજે સામસામેઃ તળિયેથી કઈ ટીમ ઉપર આવી શકશે?

કોલકાતાઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ 2024માં ચૅમ્પિયન બન્યા બાદ આ વખતે અત્યારે સાવ તળિયે (દસમા સ્થાને) છે, જ્યારે 2024માં રનર-અપ બનેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આઠમા નંબરે છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) ગયા વર્ષની આ બે સૌથી સફળ અને આ વખતે નિષ્ફળ જઈ રહેલી ટીમ વચ્ચે મુકાબલો છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આજે સામસામે આવનારી આ બન્ને ટીમ (કેકેઆર અને એસઆરએચ) છેલ્લી ત્રણમાંથી ફક્ત એક મૅચ જીતી છે અને બે હારી છે. બન્ને હરીફ ટીમ એકસરખા બે-બે પૉઇન્ટ સાથે ઈડનના મેદાન પર ઊતરશે. બન્ને ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ઊપર આવવા કમર કસશે.
આ વખતે સીઝનના પ્રથમ દિવસે (બાવીસમી માર્ચે) હોમ-ગ્રાઉન્ડ ઈડનમાં જ બેંગલૂરુ સામે સાત વિકેટના મોટા માર્જિનથી પરાજિત થયા પછી કેકેઆરના કૅપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે અમારી ટીમે ભયભીત થવાની જરૂર નથી.
જોકે ત્રણ મૅચમાં કેકેઆરની બે હાર થઈ એ જોતાં કેકેઆરના ખેલાડીઓ આજની મૅચ સહિત આગામી મૅચો માટે વધુ સતર્ક તો રહેશે. કારણ એ છે કે 2024ની સીઝનમાં કેકેઆરની ટીમ કુલ મળીને ત્રણ મૅચ હારી હતી અને પછી ચૅમ્પિયન બની હતી, જ્યારે આ વખતે ત્રણમાંથી બે મૅચમાં પરાજિત થઈ છે.
આ પણ વાંચો: પરાજિત રિષભ પંત પાછો ‘બૉસ’ સંજીવ ગોયેન્કાની ઝપટમાં આવી ગયો?
2024ની ફાઇનલમાં શું થયું હતું?
2024ની આઇપીએલ (IPL)ની ફાઇનલમાં ચેન્નઈમાં રમાઈ હતી જેમાં હૈદરાબાદે બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના બૅટ્સમેન 20 ઓવરમાં ફક્ત 113 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા. હૈદરાબાદનો ટૉપ-ઑર્ડર ધમાકેદાર રમવાને બદલે સદંતર ફ્લૉપ ગયો હતો. એ જ સીઝનમાં હૈદરાબાદને વારંવાર 200-પ્લસનો સ્કોર આપનાર ટોચના છ બૅટ્સમેનના સ્કોર્સ આ મુજબ હતાઃ અભિષેક શર્મા (બે રન), ટ્રૅવિસ હેડ (0), રાહુલ ત્રિપાઠી (9), એઇડન માર્કરમ (20), નીતીશ કુમાર રેડ્ડી (13) અને હિન્રિક ક્લાસેન (16).
કોલકાતા વતી આન્દ્રે રસેલે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ મિચલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ વરુણ, વૈભવ અરોરા અને સુનીલ નારાયણને મળી હતી. ટૂંકમાં, કોલકાતાના તમામ છ બોલરને વિકેટ મળી હતી. કોલકાતાએ રહમનુલ્લા ગુરબાઝના 39 રન અને વેન્કટેશ ઐયરના અણનમ બાવન રનની મદદથી માત્ર 10.2 ઓવરમાં બે જ વિકેટના ભોગે 114 રન બનાવીને વિજય મેળવી લીધેો હતો. શ્રેયસ ઐયરના સુકાનમાં ત્યારે કોલકાતાએ ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. કોલકાતાના જ મિચલ સ્ટાર્કને મૅન ઑફ ધ ફાઇનલનો અને સુનીલ નારાયણને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ક્લાસેન, ટ્રૅવિસ, અભિષેક વિશે થોડું ખાસ…
હૈદરાબાદના હિન્રિક ક્લાસેનને કોલકાતાનો સુનીલ નારાયણ પાંચ ઇનિંગ્સમાં ક્યારેય આઉટ નથી કરી શક્યો. જોકે ક્લાસેન તેના બાવીસ બૉલમાં ફક્ત 34 રન બનાવવામાં સફળ થયો છે. કોલકાતાના વરુણ ચક્રવર્તી સામે ક્લાસેને 20 બૉલમાં 35 રન બનાવ્યા છે અને એક વાર વરુણ તેને આઉટ કરવામાં સફળ થયો છે. ટ્રૅવિસ હેડ અને અભિષેક શર્માએ જ્યારે પણ પાવરપ્લેની ઓવર્સ હેમખેમ પાર પાડી છે ત્યાર બાદ હૈદરાબાદની ટીમ જીતી હોય એવું એની 80 ટકા મૅચમાં બન્યું છે. જોકે પાવરપ્લેમાં જ બન્ને ઓપનર જો આઉટ થઈ ગયા હોય અને ત્યાર પછી પણ હૈદરાબાદનો વિજય થયો હોય એવું માત્ર 17 ટકા મૅચમાં બન્યું છે.
બન્ને ટીમ હાર્યા બાદ ઈડનમાંઃ પિચ કેવી રહેશે?
કોલકાતાની ટીમ 31મી માર્ચે વાનખેડેમાં મુંબઈ સામે હાર્યા પછી ઈડનમાં આવી છે, જ્યારે હૈદરાબાદે રવિવારે વિશાખાપટનમમાં દિલ્હી સામે પરાજય જોવો પડ્યો હતો. આજની મૅચ માટે બે પિચ તૈયાર કરાઈ છે અને બન્ને પર થોડું ઘાસ છે. સામાન્ય રીતે કેકેઆરના કૅપ્ટન ટીમના સ્પિનર્સને વધુ અનુકૂળ એવી પિચની અપેક્ષા રાખતા હોય છે.
કોલકાતાનો હાથ ઉપર છે…કેવી રીતે?
2024માં કોલકાતાએ હૈદરાબાદને ત્રણેય મૅચમાં હરાવ્યું હતું (લીગ મૅચમાં, પ્રથમ ક્વૉલિફાયરમાં અને ફાઇનલમાં). એકંદરે, કોલકાતાએ છેલ્લી દસમાંથી આઠ મૅચમાં હૈદરાબાદ સામે વિજય મેળવ્યો છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), સુનીલ નારાયણ, ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), વેન્કટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, સ્પેન્સર જૉન્સન, વરુણ ચક્રવર્તી અને (12મો પ્લેયર) વૈભવ અરોરા.
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અભિનવ મનોહર, વિન મુલ્ડેર/ઍડમ ઝૅમ્પા, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને (12મો પ્લેયર) ઝીશાન અન્સારી/સિમરજીત સિંહ.