ચાલો, આજની પ્રારંભિક મૅચ પહેલાં કેકેઆર-આરસીબીના અગાઉના આઠ રોમાંચક મુકાબલા યાદ કરી લઈએ…

કોલકાતાઃ 18મી આઇપીએલમાં આજે સાંજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 7.30 વાગ્યાથી પ્રથમ મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) વચ્ચે છે અને જો મેઘરાજા મજા નહીં બગાડે તો આ બન્ને ટીમ વચ્ચેની વર્ષો જૂની રોમાંચક હરીફાઈ ફરી એકવાર જોવા મળશે.
નવાઈની વાત એ છે કે 2008ની સૌપ્રથમ આઇપીએલની પહેલી મૅચ કેકેઆર-આરસીબી વચ્ચે રમાઈ ત્યાર પછી છેક 18મા વર્ષે ફરી એકવાર ટૂર્નામેન્ટની પહેલી મૅચમાં આ જ બે ટીમ સામસામે આવી છે.
ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટમાં જે ટીમો ક્રિકેટપ્રેમીઓમાં સૌથી વધુ પ્રિય ગણાય છે એમાં કેકેઆર-આરસીબીનો સમાવેશ અચૂક થાય છે અને એમની વચ્ચેના કેટલાક એક્સાઇટિંગ મુકાબલાની વિગતો અહીં પ્રસ્તુત છેઃ
આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
(1) 2008, મૅચ-1, બેન્ગલૂરુઃ કોલકાતાના કિવી ઓપનર બ્રેન્ડન મૅક્લમે 73 બૉલમાં 13 સિક્સર તથા 10 ફોરની મદદથી બનાવેલા અણનમ 158 રન સાથે આઇપીએલને ધમાકેદાર આરંભ અપાવ્યો હતો. કોલકાતાના 222/3ના જવાબમાં બેન્ગલૂરુ માત્ર 82 રનમાં ઑલઆઉટ થઈ જતાં કોલકાતાનો 140 રનથી વિજય થયો હતો. મૅન ઑફ ધ મૅચઃ બ્રેન્ડન મૅક્લમ
(2) 2009, મૅચ-41, સેન્ચુરિયનઃ મૅક્લમે કોલકાતાનું નેતૃત્વ સંભાળ્યું હતું અને અણનમ 84 રન બનાવ્યા જેની મદદથી બેન્ગલૂરુને 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
11 ઓવરમાં ત્રણ વિકેટે 74 રન ત્યારે બેન્ગલૂરુની જીત થોડી મુશ્કેલ લાગતી હતી, પણ રૉસ ટેલરે ડેથ ઓવરમાં કોલકાતાના બોલર્સની ખબર લઈ નાખી હતી અને 33 બૉલમાં બનાવેલા અણનમ 81 રનની મદદથી બેન્ગલૂરુને ચાર બૉલ બાકી રાખીને જિતાડ્યું હતું. મૅન ઑફ ધ મૅચઃ રૉસ ટેલર
આપણ વાંચો: શનિવારથી આઇપીએલના ધમાકા શરૂ
(3) 2013, મૅચ-12, બેન્ગલૂરુઃ કોલકાતાના 154/8ના સ્કોર બાદ 155 રનના લક્ષ્યાંકને ચેઝ કરતી વખતે ક્રિસ ગેઇલે અણનમ 85 રન બનાવીને બેન્ગલૂરુને 15 બૉલ બાકી રાખીને વિજય અપાવ્યો હતો. વ્યક્તિગત ખેલાડીના પર્ફોર્મન્સ કરતાં આ મૅચ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના ઘર્ષણને કારણે ચર્ચાસ્પદ થઈ હતી.
ડીપ પૉઇન્ટ પર કોહલીથી કૅચ છૂટતાં જ ગંભીર સેલિબે્રશનના મૂડમાં આવી ગયો હતો. બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ થઈ ગયું હતું. તેમના દિલ્હીના ભૂતપૂર્વ સાથી ખેલાડી રજત ભાટિયાએ તેમને શાંત પાડ્યા હતા. મૅન ઑફ ધ મૅચઃ ક્રિસ ગેઇલ
(4) 2016, મૅચ-30, બેન્ગલૂરુઃ બેન્ગલૂરુએ 185 રન બનાવ્યા બાદ કોલકાતાએ સાધારણ શરૂઆત બાદ મુશ્કેલી અનુભવી હતી. છેલ્લી સાત ઓવરમાં કોલકાતાએ 93 રન બનાવવાના હતા.
આપણ વાંચો: આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…
જોકે આન્દ્રે રસેલ (ચાર સિક્સર, એક ફોર સહિત 39 રન) અને યુસુફ પઠાણે (ત્રણ સિક્સર, છ ફોર સાથે અણનમ 60)ની જોડીએ બાજી ફેરવી નાખી હતી. યુસુફે વૉટસનની 17મી ઓવરને ચીંથરેહાલ કરી હતી. એમાં તેણે 24 રન ખડકી દીધા હતા. મૅન ઑફ ધ મૅચઃ આન્દ્રે રસેલ (39 રન, એક વિકેટ, એક કૅચ)
(5) 2017, મૅચ-27, કોલકાતાઃ બૅટિંગ મળ્યા બાદ કોલકાતાએ સાધારણ આરંભ બાદ ધબડકો જોયો હતો. જોકે સુનીલ નારાયણે 17 બૉલમાં બનાવેલા 34 રનની મદદથી ટીમને 131 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.
સ્ટાર બૅટર્સવાળી બેન્ગલૂરુની ટીમ કૉલ્ટર-નાઇલ, વૉક્સ અને કૉલિન ડિગે્રન્ડમની ત્રણ-ત્રણ વિકેટને કારણે ફક્ત 49 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આરસીબીના આ 49 રન આઇપીએલના ઇતિહાસમાં લોએસ્ટ ટોટલ છે. કોલકાતાનો લો-સ્કોરિંગ મૅચમાં 82 રનથી વિજય થયો હતો. મૅન ઑફ ધ મૅચઃ નૅથન કૉલ્ટર-નાઇલ
(6) 2017, મૅચ-46, બેન્ગલૂરુઃ રિર્ટન મૅચમાં પણ કોલકાતા જીત્યું હતું. બેન્ગલૂરુની સ્ટાર-ત્રિપુટી (કોહલી, ગેઇલ, ડિવિલિયર્સ) ફક્ત 15 રન બનાવી શક્યા ત્યાર બાદ મનદીપ સિંહ (બાવન રન) અને ટ્રેવિસ હેડ (અણનમ 75 રન)ની જોડીએ આરસીબીને 158 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો.
આપણ વાંચો: આઇપીએલની શરૂઆત પહેલાં જ મોટા સમાચાર…સુરક્ષાના કારણસર શેડ્યૂલમાં નાનો ફેરફાર આવશે…
જોકે સુનીલ નારાયણ તથા ક્રિસ લીને ધમ્માલ મચાવી દીધી હતી. તેમણે પાવરપ્લેની ઓવર્સમાં 105 રન ખડકી દીધા હતા. બેન્ગલોરની ઇનિંગ્સમાં બે વિકેટ લેનાર નારાયણે ફક્ત 15 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરીને ત્યારે નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. કોલકાતાનો છ વિકેટે વિજય થયો હતો. મૅન ઑફ ધ મૅચઃ સુનીલ નારાયણ
(7) 2019, મૅચ-17, બેન્ગલૂરુઃ સતત ચાર મૅચ હારી ચૂકેલી બેન્ગલૂરુની ટીમે આ મૅચ કેમેય કરીને જીતવાની હતી. કોહલીના 84 રન અને ડિવિલિયર્સના 63 રનની મદદથી બેન્ગલૂરુએ ત્રણ વિકેટે 205 રન બનાવ્યા હતા.
કોલકતાના ક્રિસ લીનના 43 રન, રૉબિન ઉથપ્પાના 33 રન અને નીતિશ રાણાના 33 રન ઉપરાંત ખાસ કરીને આન્દ્રે રસેલે સાત સિક્સરની મદદથી બનાવેલા અણનમ 48 રનની મદદથી 19.1 ઓવરમાં પાંચ વિકેટે 206 રન બનાવીને પાંચ વિકેટના માર્જિનથી રોમાંચક વિજય મેળવી લીધો હતો. મૅન ઑફ ધ મૅચઃ આન્દ્રે રસેલ
આપણ વાંચો: આઇપીએલ નજીક આવી ગઈ…બૅટિંગ-બોલિંગના ટૉપર્સ પર એક નજર કરી લઈએ…
(8) 2024, મૅચ-36, કોલકાતાઃ કેકેઆરે કૅપ્ટન શ્રેયસ ઐયરના 50 રન તેમ જ આન્દ્રે રસેલના અણનમ 27 રનની મદદથી બનેલા છ વિકેટે 222 રન બનાવ્યા પછી આરસીબીની ટીમ છેલ્લા બૉલ પર 221 રનના સ્કોરે ઑલઆઉટ થતાં કેકેઆરનો એક રનથી વિજય થયો હતો.
કેકેઆરના સૌથી મોંઘા ખેલાડી મિચલ સ્ટાર્કે છેલ્લી ઓવરમાં 20 રન ડિફેન્ડ કરવાના હતા. ક્રીઝ પર કર્ણ શર્મા હતો. કર્ણએ પહેલા ચાર બૉલમાં ત્રણ સિક્સર ફટકારી દેતાં બાજી બેન્ગલૂરુની ફેવરમાં આવી હતી.
જોકે પાંચમા બૉલે કર્ણ કૉટ ઍન્ડ બોલ્ડ થતાં અને છઠ્ઠા બૉલ પર લૉકી ફર્ગ્યુસન રનઆઉટ થતાં કોલકાતા અંતિમ બૉલ પર એક રનથી જીતી ગયું હતું અને સ્ટાર્ક સુપર હીરો બની ગયો હતો. છેવટે કેકેઆરની ટીમ જ એ ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બની હતી. આન્દ્રે રસેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. મૅન ઑફ ધ મૅચઃ આન્દ્રે રસેલ