IPL: આવતીકાલે રાજસ્થાન અને ચેન્નઇ વચ્ચે ટક્કર, સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે બંન્ને ટીમો

નવી દિલ્હીઃ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયેલી અને છેલ્લા બે સ્થાનો પર રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મંગળવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટકરાશે ત્યારે પોતાનું સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. આવતીકાલની મેચ રાજસ્થાન રોયલ્સ માટે 2025 સીઝનની છેલ્લી મેચ છે. આ સીઝનમાં ટીમ પાસે વૈભવ સૂર્યવંશીના રૂપમાં એક અસાધારણ પ્રતિભા શોધવા સિવાય કંઈ પ્રભાવશાળી રહ્યું નથી.
હરાજીમાં બોલિંરોની નબળી પસંદગીઓને કારણે જયપુરની ટીમને સૌથી વધુ નુકસાન થયું છે અને આ ઉપરાંત, તેના મિડલ ઓર્ડર્સ ખેલાડીઓનું પ્રદર્શન પણ પ્રભાવશાળી રહ્યું નથી. જો રાજસ્થાન રોયલ્સ 10 ટીમોના ટેબલમાં નવમા સ્થાને છે, તો તેનું મુખ્ય કારણ તેમના બોલરોનું સરેરાશ પ્રદર્શન અને ટોચના ક્રમના બેટ્સમેન પર તેમની વધુ પડતી નિર્ભરતા છે.
જોસ બટલરની ટીમમાંથી વિદાય અને જોફ્રા આર્ચરના ખરાબ પ્રદર્શનને કારણે રોયલ્સે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. વિરોધી ટીમ પર દબાણ લાવવાની ક્ષમતા ધરાવતા સારા ભારતીય બોલરનો અભાવ પણ ટીમની એક મોટી નબળાઈ રહી છે.
જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાપસી કરવામાં સફળ રહી તો તેનું સૌથી મોટું કારણ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ હતા. જો ગુજરાત ટાઇટન્સ મજબૂત સ્થિતિમાં છે તો તે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને કારણે છે જેમણે મળીને 30થી વધુ વિકેટ લીધી છે.
રાજસ્થાન ટીમ સાથે વર્તમાન સીઝનમાં આવું જોવા મળ્યું નથી. તેણે રવિવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે તેણે પ્રથમ પાંચ ઓવરમાં 70થી વધુ રન ફટકાર્યા હતા પરંતુ ટીમ હજુ પણ મેચ હારી ગઈ હતી. ટીમ સન્માન માટે રમી શકે છે અને પોતાના અભિયાનનો અંત જીત સાથે કરી શકે છે.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને વર્તમાન સીઝનમાં અજમાવેલા ખેલાડીઓને સામેલ કરવાનો તેનો જૂનો ફોર્મ્યુલા સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, જેના કારણે ટીમના પ્રદર્શન પર ખરાબ અસર પડી છે. સુપર કિંગ્સને રાહુલ ત્રિપાઠી અને દીપક હુડા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ભારત માટે રમવાના અનુભવે તેને ફ્રેન્ચાઇઝી સાથે કરાર કરાવ્યો હશે, પરંતુ દબાણની પરિસ્થિતિઓમાં તે સતત મેચ જીતવાનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે.
આયુષ મ્હાત્રે, શેખ રશીદ અને ઉર્વિલ પટેલ જેવા યુવા ખેલાડીઓના આગમનથી ટીમને ફાયદો જરૂર થયો છે. 20 વર્ષીય મ્હાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સદી ફટકારવાની નજીક પહોંચ્યો હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ સામે પણ સારો દેખાવ કર્યો હતો. પટેલ ટીમમાં મોડેથી જોડાયો હતો પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધમાકેદાર ઇનિંગ રમીને તેમણે પોતાની ક્ષમતા દર્શાવી હતી. તેણે અત્યાર સુધી જે કર્યું છે તેને આગામી સીઝનનું ટ્રેલર કહી શકાય.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ટીમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. ઘણા લોકોને આશા હતી કે ધોનીના કેપ્ટન તરીકે પાછા ફરવાથી ટીમનું નસીબ બદલાઈ જશે પરંતુ આટલા મર્યાદિત સંસાધનોમાં તે પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર જેવા વિદેશી ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ સુપર કિંગ્સ માટે કંઈ કામ ન આવ્યું.
આ પણ વાંચો….ગુજરાત જીતીને બેંગલૂરુ-પંજાબને પણ પ્લે ઑફમાં લેતું આવ્યું…