આઇપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરાઈ છે
ક્રિકેટરો ધરમશાલાથી બસમાં જલંધર ગયા અને ત્યાંથી ટ્રેનમાં દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થઈ રહ્યો હોવાથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ (SUSPEND) કરવામાં આવી છે. જોકે ક્રિકેટ વિશ્વની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી હોવાની અગાઉ જે ચર્ચા હતી એને પગલે શુક્રવારે સાંજે એવો અહેવાલ આવ્યો હતો કે આ સ્પર્ધા એક અઠવાડિયા (ONE WEEK) માટે જ સ્થગિત કરવામાં આવી છે.
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ શુક્રવારે બપોરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીએલ તાત્કાલિક અમલમાં આવે એ રીતે સસ્પેન્ડ કરાઈ છે. જોકે આ સ્પર્ધા એક અઠવાડિયા માટે જ સસ્પેન્ડ કરાઈ છે.' આઇપીએલ આગળ ચાલુ રાખવી કે નહીં એ વિશે ગુરુવાર મોડી રાત સુધી બીસીસીઆઇ અને આઇપીએલના મોવડીઓમાં ચર્ચા થઈ હતી. સૈકિયાએ શુક્રવારે એવું પણ જણાવ્યું હતું કે
બાકી રહેલી (16) મૅચો માટેનું નવું શેડ્યૂલ પરિસ્થિતિના અવલોકન બાદ તેમ જ સંબંધિત સત્તાવાળા સાથે સલાહ મસલત કર્યા બાદ યોગ્ય સમયની અંદર જાહેર કરવામાં આવશે. આ સંબંધમાં બ્રૉડકાસ્ટર, સ્પૉન્સરો તેમ જ ક્રિકેટપ્રેમીઓના પણ મંતવ્યો લેવામાં આવશે. જોકે બીસીસીઆઇને આપણા સંરક્ષણ દળોની શક્તિ અને પૂર્વતૈયારીઓ પર પૂરો ભરોસો છે અને બીસીસીઆઇ તમામ સંબંધિત પરિબળોને ધ્યાનમાં લઈને જ આગળ વધવામાં માને છે.’
આ પણ વાંચો આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ
દરમ્યાન, આઇપીએલની વિવિધ ટીમોના ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ પોતપોતાના નિયત સ્થળે પહોંચી જવા વહેલામાં વહેલી ફ્લાઇટ પકડવાની તૈયારીમાં હતા અને સત્તાવાળાઓએ નક્કી કર્યું છે કે હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની સ્થિતિમાં આઇપીએલ આ તબક્કે ચાલુ રાખવી ઠીક ન કહેવાય.
ગુરુવારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પંજાબ-દિલ્હી વચ્ચેની મૅચ અધવચ્ચેથી રદ કરાઈ હતી. ધરમશાલાનું ઍરપોર્ટ બંધ કરાયું હોવાથી બન્ને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બસમાં ધરમશાલાથી જલંધર ખાતે સલામત પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ ટ્રેનમાં દિલ્હી ગયા હતા અને ત્યાંથી પોતપોતાના શહેરમાં તેમ જ પોતાના દેશમાં જવા તેમને ઍરપોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી.